વડોદરા / વાયરલ ન્યૂઝ:
સંસ્કારી નગરી વડોદરામાંથી પશુ-પક્ષી પ્રત્યેના અનોખા અને અપરંપાર પ્રેમનો એક હૃદયસ્પર્શી કિસ્સો સામે આવ્યો છે. સેવાસી રોડ પર રહેતા પારેખ પરિવારે પક્ષી નહીં પરંતુ પોતાના સગા દીકરાની જેમ ઉછેરેલો આફ્રિકન ગ્રે પેરોટ ‘લડ્ડુ’ અચાનક ગુમ થઈ ગયો છે. પરિવારના આ લાડકવાયા પોપટને સહીસલામત શોધી આપનાર વ્યક્તિને પરિવારે ₹1,00,000નું રોકડ ઈનામ આપવાની જાહેરાત કરી છે.
પોપટની યાદમાં 4 દિવસથી અન્નત્યાગ, નોકરી પણ છોડી હતી:
પરિવારની સભ્ય જેસિકાબેન માટે આ પોપટ માત્ર એક પક્ષી નહોતો પણ જીવથી વ્હાલો દીકરો હતો.લડ્ડુની યોગ્ય સારસંભાળ રાખવા માટે જેસિકાબેને અગાઉ ખાનગી શાળાની શિક્ષિકા તરીકેની નોકરી પણ છોડી દીધી હતી. હવે જ્યારે લડ્ડુ અચાનક ગુમ થયો છે, ત્યારે તેના વિયોગમાં જેસિકાબેને છેલ્લા ૪ દિવસથી અન્નનો એક પણ દાણો મોંમાં મૂક્યો નથી અને તેમની હાલત અત્યંત ગંભીર બની ગઈ છે.
ખાલી પાંજરું જોઈ આખો પરિવાર ચોધાર આંસુએ રડ્યો:
ઘરમાં પડેલું ખાલી પાંજરું જોઈને સમગ્ર પરિવાર ભાંગી પડ્યો છે અને સૌ કોઈ ચોધાર આંસુએ રડી રહ્યા છે. લડ્ડુને શોધવા માટે પરિવારે સેવાસી રોડ અને આસપાસનો સમગ્ર વિસ્તાર ખૂંદી વળ્યો છે તેમજ સોશિયલ મીડિયા અને પેમ્ફલેટ્સ દ્વારા પણ શોધખોળ તેજ કરી છે. પરિવારે જાહેર જનતાને ભાવુક અપીલ કરી છે કે જો કોઈને પણ આ આફ્રિકન ગ્રે પેરોટ દેખાય તો તાત્કાલિક તેમનો સંપર્ક કરવો.