ગાંધીનગર / સ્ટેટ બ્રેકિંગ:
નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરતા ડિગ્રી વગરના બોગસ અને લેભાગુ ડોક્ટરો સામે રાજ્ય સરકાર દ્વારા અત્યંત કડક રૂખ અપનાવવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ અને પોલીસ દ્વારા ચલાવવામાં આવેલી ૧૫ દિવસની ખાસ મેગા ડ્રાઈવમાં મોટો ખુલાસો થયો છે, જેમાં રાજ્યભરમાંથી કુલ ૩૮ શંકાસ્પદ બોગસ ડોક્ટરો પકડાયા છે.
રાજકોટ અને સુરતમાં સૌથી વધુ ખુલાસા:
આ મેગા ડ્રાઈવ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં ૨૯૮ ટીમો બનાવીને સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં સૌથી વધુ રાજકોટમાં ૧૭, સુરતમાં ૦૯, ગીર સોમનાથમાં ૦૩ અને સુરેન્દ્રનગરમાં ૦૨ સહિત કુલ ૩૫ અનધિકૃત ડોક્ટરો સામે સત્તાવાર રીતે એફ.આઈ.આર. (FIR) નોંધીને કાયદાકીય શિકંજો કસાયો છે. તપાસ દરમિયાન કેટલાક લેભાગુ તત્વો ક્લિનિક બંધ કરીને ફરાર થઈ ગયા હતા, જેમની શોધખોળ ચાલુ છે.
મંત્રીનું કડક નિવેદન અને જનતાને અપીલ:
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં પણ આ અભિયાન વધુ વેગથી ચાલુ રહેશે. રાજ્યના કોઈપણ ખૂણે બોગસ ડોક્ટરો ચલાવી લેવામાં આવશે નહીં. સરકારે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ માત્ર માન્ય ડિગ્રી ધરાવતા રજિસ્ટર્ડ તબીબો પાસે જ સારવાર કરાવે અને શંકાસ્પદ શખ્સોની માહિતી તાત્કાલિક તંત્રને આપે.