અમદાવાદ / ક્રાઈમ બ્રેકિંગ:
અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ વિભાગ દ્વારા અત્યંત સેરસ અને મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એરપોર્ટ પર બેંગકોકથી આવેલા સુરતના એક યુવક અને યુવતી પાસેથી આંતરરાષ્ટ્રીય બજારમાં ₹૧૩ કરોડથી વધુની કિંમતનો ૧૩ કિલોગ્રામથી વધુ હાઇબ્રિડ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે.
શંકાસ્પદ બેગમાંથી નીકળ્યું ડ્રગ્સ:
થાઈ એરલાઇન્સની ફ્લાઇટ (TG-343) મારફતે બેંગકોકથી અમદાવાદ પહોંચેલા આ બંને મુસાફરોની હિલચાલ શંકાસ્પદ લાગતા કસ્ટમ અધિકારીઓએ તેમની પર્પલ અને ગ્રે કલરની ટ્રોલી બેગનું એક્સ-રે સ્ક્રિનિંગ કરાવ્યું હતું. તપાસ દરમિયાન બેગમાંથી વેક્યુમ પેકિંગ કરેલા ૧૪ પેકેટ મળી આવ્યા હતા, જેની ફોરેન્સિક તપાસમાં તે હાઈ ક્વોલિટીનો પ્રતિબંધિત હાઇબ્રિડ ગાંજો હોવાનું સાબિત થયું હતું.
ફરવા જવાની લાલચ આપીને બનાવ્યા કેરિયર:
પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે સુરતનો યુવક ડ્રગ્સ સિન્ડિકેટ માટે કેરિયર તરીકે કામ કરતો હતો. કોઈને શંકા ન જાય તે માટે તેણે યુવતીને ‘બેંગકોક ફરવા લઈ જાઉં છું’ તેમ કહીને સાથે ફસાવી હતી. ડ્રગ માફિયાઓએ હોટલમાં તેમની બેગમાં આ પેકેટ્સ મૂકી આપ્યા હતા અને આ કામ બદલ તેમને ફ્લાઇટની ટિકિટ, હોટલનો ખર્ચ અને માત્ર ₹૮૦,૦૦૦ નું કમિશન આપવાનું નક્કી કર્યું હતું. હાલ કસ્ટમ વિભાગે બંને સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધીને આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટના મૂળ સુધી પહોંચવા સઘન તપાસ શરૂ કરી છે.