હૈદરાબાદ: આઈપીએલ 2026 ની છેલ્લી લીગ મેચ આજે સાંજે 7:30 વાગ્યે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) બંને માટે અત્યંત મહત્વની છે, કારણ કે પોઈન્ટ્સ ટેબલમાં ટોપ-2 માં ફિનિશ કરવા માટે આ છેલ્લી તક છે.
બેંગલુરુ માટે નંબર-1 બનવાની તક
કેપ્ટન રજત પાટીદારની આગેવાનીમાં આરસીબી અત્યારે 18 પોઈન્ટ્સ સાથે ટેબલમાં ટોચ પર છે. જો આજે બેંગલુરુ જીતશે તો તેમની નંબર-1 પોઝિશન પાકી થઈ જશે, જેનો અર્થ છે કે તેમને ફાઈનલમાં પહોંચવા માટે પ્લેઓફમાં બે તક મળશે. વિરાટ કોહલી 542 રન સાથે શાનદાર ફોર્મમાં છે અને ભુવનેશ્વર કુમાર 24 વિકેટ સાથે પર્પલ કેપની રેસમાં સૌથી આગળ છે.
હૈદરાબાદને જોઈએ છે મોટી જીત
બીજી તરફ, પેટ કમિન્સની હૈદરાબાદ ટીમ 16 પોઈન્ટ્સ સાથે ત્રીજા ક્રમે છે. હૈદરાબાદે જો ટોપ-2 માં સ્થાન મેળવવું હોય તો આજે આરસીબીને મોટા માર્જિનથી હરાવવું પડશે અને સાથે આશા રાખવી પડશે કે ગુજરાત ટાઇટન્સ તેની મેચ હારી જાય. હૈદરાબાદ માટે હેનરિક ક્લાસેન (555 રન) અને યુવા બોલર ઈશાન મલિંગા (17 વિકેટ) ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે છે.
હેડ-ટુ-હેડ આંકડા
-
કુલ મેચો: 26
-
SRH ની જીત: 13
-
RCB ની જીત: 12
-
ટાઈ મેચ: 01 (જે હૈદરાબાદે જીતી હતી) આ સીઝનમાં અગાઉ રમાયેલી મેચમાં બેંગલુરુએ હૈદરાબાદને 6 વિકેટે હરાવ્યું હતું.
પીચ રિપોર્ટ
હૈદરાબાદનું મેદાન બેટર્સ માટે સ્વર્ગ સમાન માનવામાં આવે છે. સપાટ પીચ અને નાની બાઉન્ડ્રીને કારણે આજે પણ હાઈ-સ્કોરિંગ મેચની પૂરી શક્યતા છે.