શ્રીનગર/જમ્મુ: દેશભરના કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર ગણાતી પવિત્ર અમરનાથ યાત્રાને લઈને એક અત્યંત ચોંકાવનારા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ૫૭ દિવસ સુધી ચાલનારી આ પવિત્ર યાત્રાને હજુ માત્ર ૩ જ દિવસ થયા છે ત્યાં બાબા બરફાનીનું પવિત્ર હિમ શિવલિંગ લગભગ ૯૦% જેટલું ઓગળી ગયું છે. સોમવારે સામે આવેલી તસવીરો અનુસાર, શિવલિંગનું કદ ઘટીને હવે માત્ર એક ફૂટ જેટલું જ બાકી રહ્યું છે. આ સમાચાર વાયરલ થતાં જ આગામી દિવસોમાં દર્શન કરવા જઈ રહેલા લાખો શ્રદ્ધાળુઓમાં નિરાશા અને ચિંતા વ્યાપી ગઈ છે.
મે મહિનામાં ૭ ફૂટનું હતું શિવલિંગ
તબક્કાવાર રીતે જોઈએ તો, ગત ૨૩ મેના રોજ BSF (બોર્ડર સિક્યોરિટી ફોર્સ) ના જવાનોએ જાહેર કરેલી તસવીરમાં શિવલિંગનું કદ અંદાજે ૭ ફૂટ જેટલું ભવ્ય હતું. ત્યારબાદ ૨૯ જૂને યોજાયેલી પ્રથમ સત્તાવાર પૂજાના દિવસે પણ હિમલિંગની ઊંચાઈ ૫ ફૂટથી વધુ નોંધાઈ હતી. પરંતુ વાતાવરણમાં ગરમી અને ભારે જનમેદનીના કારણે માત્ર ૩ જ દિવસમાં આ પવિત્ર હિમલિંગ ૯૦% ગાયબ થઈ ચૂક્યું છે.
૩ દિવસમાં ૫૬ હજારથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન
આ વર્ષે યાત્રામાં શ્રદ્ધાળુઓનો અભૂતપૂર્વ ધસારો જોવા મળી રહ્યો છે. યાત્રા શરૂ થયાના શરૂઆતના ૩ દિવસમાં જ ૫૬,૦૦૦ થી વધુ યાત્રાળુઓ બાબા બરફાનીના દર્શન કરી ચૂક્યા છે, જે ગયા વર્ષ ૨૦૨૫ (૪૭,૯૭૨ શ્રદ્ધાળુઓ) ની સરખામણીએ ૧૮.૬% વધુ છે. આ વર્ષે કુલ ૪ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ યાત્રા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

૯ જુલાઈ સુધી રજીસ્ટ્રેશન સ્લોટ ફુલ, તંત્રની અપીલ
જમ્મુ-કાશ્મીર પ્રશાસન દ્વારા સત્તાવાર જાહેરાત કરીને જણાવવામાં આવ્યું છે કે, ૯ જુલાઈ સુધીના તમામ રજીસ્ટ્રેશન સ્લોટ સંપૂર્ણપણે ભરાઈ ગયા છે. આથી, રજીસ્ટ્રેશન વિના જમ્મુ પહોંચી રહેલા યાત્રીઓને હાલ પૂરતી પોતાની યાત્રા મુલતવી રાખવા અથવા થોડા દિવસ થોભી જવા અપીલ કરાઈ છે. બાલતાલ કે પહેલગામ રૂટ પર વગર રજીસ્ટ્રેશને આગળ વધતા યાત્રીકોને ચેકપોઇન્ટ પર જ રોકી દેવામાં આવશે અને તેમને ૯ જુલાઈ પછી જ મંજૂરી અપાશે.
https://www.youtube.com/@Lalkaar-News09/videos
શું શિવલિંગ ઓગળવાથી યાત્રા બંધ થશે?
કુદરતી રીતે ગુફાની છત પરથી પાણીના ટીપાં જામીને (આઇસ સ્ટેલેગ્માઇટ) બનતા આ શિવલિંગના ઓગળવા છતાં અમરનાથ યાત્રા રોકવામાં આવી નથી, યાત્રા પહેલાની જેમ જ ચાલુ રહેશે. જોકે, તાપમાન શૂન્યથી નીચે જાય કે ભારે બરફવર્ષા થાય તો જ શિવલિંગ ફરી મોટું થવાની આશા છે, જેની શક્યતા હાલ ખૂબ ઓછી છે.
આ પવિત્ર યાત્રા ૪૮ કિમી લાંબા પરંપરાગત નૂનવાન-પહેલગામ રૂટ અને ૧૪ કિમીના ટૂંકા પરંતુ અત્યંત મુશ્કેલ બાલતાલ રૂટ પરથી સતત ચાલી રહી છે, જે આગામી ૨૮ ઓગસ્ટે રક્ષાબંધનના પવિત્ર દિવસે સંપન્ન થશે.

