અમદાવાદ: અમદાવાદ શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમ દ્વારા દેશવ્યાપી સાયબર પિંક-કોલર ક્રાઈમનો એક અત્યંત ચોંકાવનારો પર્દાફાશ કરવામાં આવ્યો છે. SMC ની ટીમે નિકોલ વિસ્તારમાં દરોડો પાડીને હાઈટેક ઓનલાઈન ક્રિકેટ સટ્ટા અને કરોડો રૂપિયાના સાયબર ફ્રોડના આંતરરાજ્ય કૌભાંડને આંતરી લીધું છે. આ રેડ દરમિયાન પોલીસે મુખ્ય સૂત્રધાર વિજય કરડાણી સહિત ૧૦ સાયબર ઠગોની રંગેહાથ ધરપકડ કરી છે, જ્યારે નેટવર્ક સાથે જોડાયેલા કુલ ૪૭ આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
2188 ડમી એકાઉન્ટ્સ અને ₹324 કરોડનું ફંડ ટ્રેલ
દરોડા બાદ થયેલી પ્રાથમિક તપાસની વિગતોએ ઉચ્ચ પોલીસ અધિકારીઓને પણ સ્તબ્ધ કરી દીધા છે. આરોપીઓ પાસેથી દેશ-વિદેશમાં ફેલાયેલા કુલ 2188થી વધુ શંકાસ્પદ મ્યુલ (ડમી) એકાઉન્ટની વિગતો મળી આવી છે, જે ગરીબ કે અજાણ્યા લોકોના નામે ખોલાવીને કરોડો રૂપિયાની હેરફેર માટે વપરાતા હતા. પોલીસની કડક ભલામણ બાદ દેશના વિવિધ રાજ્યોમાં આવા ૩૫૪ બેંક એકાઉન્ટ્સ તાત્કાલિક અસરથી ફ્રીઝ કરી દેવાયા છે. અત્યાર સુધીમાં આ ખાતાઓમાંથી અંદાજે ₹324.58 કરોડથી વધુની સાયબર છેતરપિંડી અને સટ્ટાખોરીના નાણાકીય વ્યવહારો સામે આવ્યા છે.
NCCRP પોર્ટલ પર 542 ફરિયાદો, છેક દુબઈ સુધી તાર
પકડાયેલા આ સાયબર માફિયાઓ માત્ર ક્રિકેટ સટ્ટો જ નહોતા રમાડતા, પરંતુ લોકો સાથે અલગ-અલગ રીતે ઓનલાઈન ઠગાઈ પણ આચરતા હતા. નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCCRP) પર તપાસ કરતા માલૂમ પડ્યું છે કે, જપ્ત કરાયેલા એકાઉન્ટ્સ સામે દેશભરમાંથી 542 જેટલી સાયબર ફ્રોડની ઓફિશિયલ ફરિયાદો પહેલેથી જ નોંધાયેલી છે. SMC ની શંકા મુજબ આ નેટવર્કના તાર છેક દુબઈ અને અન્ય વિદેશી દેશો સુધી જોડાયેલા છે.
પોલીસે ઘટના સ્થળેથી ₹15.73 લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ સાયબર એક્સપર્ટ્સની મદદથી આ મ્યુલ એકાઉન્ટ્સના નાણાકીય વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે, જેમાં આગામી દિવસોમાં અન્ય મોટા માથાઓ અને આંતરરાષ્ટ્રીય સટ્ટાબાજોના નામ ખૂલવાની પૂરેપૂરી શક્યતા છે.