છુક છુક ગાડીમાં ફરીને, કૂતરાં રમાડીને કંટાળેલા PIને ફરી મળ્યું મનગમતું પોસ્ટિંગ !
ટેકનોક્રેડ ગુનેગારો પર વોચ રાખતી એક એજન્સીના પોલીસ ઈન્સ્પેક્ટર પર સાત આંકડામાં લાંચ માગવામાં આવી હતી. જોકે પીઆઈ તો બચી ગયા પણ તેમના સાગરિતો લાંચ લેતા ઝડપાયા હતા. આ લાંચકાંડ બાદ પીઆઈની એજન્સીમાંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી. એક મહિનો તો તેમનું ક્યાંય પોસ્ટિંગ કરવામાં આવ્યું ન હતું. ત્યારબાદ તેમની મેટ્રો સિટીની ટ્રેનમાં સવારી કરાવવામાં આવી હતી. ત્યારબાદ શ્વાનની સારસંભાળ રાખવાનો પણ તેમને આદેશ કરવામાં આવ્યો હતો. શ્વાન બરાબરના રમાડી લીધા બાદ તેમને ફરી સાઇબર ગુનેગારો પર વોચ રાખતી એજન્સીમાં સેટ કરી દેવાયા. આ ભ્રમણ વિધિ દરમિયાન તેમણે અનેક રાજકીય આકાઓને હાથ પગ જોડ્યા હતા અને અનેક દેવી દેવતાઓની બાધા લીધી હતી. પોલીસ બેડામાં ચાલતી ચર્ચા મુજબ, આ પીઆઈના સ્વભાવના કારણે તેમનું મિત્રવર્તુળ પણ તેમનાથી અંતર રાખવા લાગ્યા છે. એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, ફરી વખત મનગમતું પોસ્ટિંગ મળ્યું તે પહેલાં અગાઉ આ એજન્સીમાં હતા ત્યારે તેમણે એક સિનિયર અધિકારી સાથે હાથ મિલાવી દીધા હતા. તેના કારણ આ પીઆઈના ખિસ્સા ગરમ રહેતા હતા. તેમણે એવો રોફ જમાવી રાખ્યો હતો કે તે સ્ટાફમાંથી કોઈનું સાંભળતા ન હતા અને અન્ય અધિકારીઓની અરજી પણ પોતે લઈને કટકી કરવાના ફિરાકમાં રહેતા હતા. જેને લઈને સ્ટાફ તો ઠીક પોલીસ અધિકારીઓ પણ તેમનાથી નારાજ રહેતા હતા. પોલીસ બેડામાં ચાલતી ચર્ચા મુજબ, ફરી વખત એજન્સીમાં પોસ્ટિંગ મળ્યું તે પહેલાં તેમની પાસેથી આ પ્રકારની હરકત ન કરે તે માટે તેઓ સફળ રહેશે કે કેમ? અગાઉ તેમના માથા પર જેમના ચાર હાથ હતા તેવા અધિકારીઓની બદલી થઈ ગઈ છે. હાલ નવા આવેલા અધિકારીઓ સાથે આ માહેર અધિકારી પોતાની ગોઠવણ કરી લેશે કે શું તે પણ ચર્ચાનો વિષય બન્યો છે.
એક પીઆઈને વિદેશમાં રોફ મારવો ભારે પડી ગયો, હવે ઊંઘ પણ નથી આવતી
એક પીઆઈ સીક લીવ પર ઉતર્યા અને પછી ફરવા જતા રહ્યા. તપાસ કરી તો ખબર પડી કે આ પીઆઈ તો વિદેશમાં ફરવા નીકળી પડ્યા છે. આ પીઆઈ તો વિદેશમાં ડંફાસ મારવા ગયા ને હલવાઈ ગયા. પોલીસ બેડામાં ચાલતી ચર્ચા મુજબ, આ પીઆઈ પાસે અમેરિકાના વિઝા છે, ત્યાંથી તેઓ કેનેડા જતા કે આવતા હતા ત્યારે સ્થાનિક પોલીસ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી તો સાહેબ ઉશ્કેરાઈ ગયા અને ડંફાસ મારવા લાગ્યા કે હું પણ પોલીસ અધિકારી છું. પણ સ્થાનિક પોલીસને શંકા જતા તેમણે તપાસ હાથ ધરી. તેમણે ગુજરાત પોલીસના જે તે અધિકારી સાથે ક્રોસ વેરિફિકેશન કર્યું તો તેના ઉપરી અધિકારી પણ ચોંકી ગયા. કેમ કે તેઓ બીમાર હોવાનું કહી રજા પર ઉતર્યા હતા, પરંતુ જ્યારે તેમના ઉપરી અધિકારીને ખબર પડી કે આ પીઆઈ તો બીમારીનું બહાનું કાઢી અમેરિકા -કેનેડા ફરવા નીકળી પડ્યા છે. પોલીસ બેડામાં ચાલતી ચર્ચા મુજબ, ઉચ્ચ અધિકારીએ પીઆઈનો ઉધડો લઈ નાખ્યો હતો. પીઆઈને પણ લાગ્યું કે વિદેશમાં પોલીસના નામે ડંફાસ મારવી ભારે પડી ગઈ છે એટલે તેઓ તેમના ઉચ્ચ અધિકારી પાસે રોદણાં રડવા લાગ્યા હતા. પોલીસ બેડામાં ચાલતી ચર્ચા મુજબ, અધિકારીએ આ પીઆઈનો ઉધડો લેતા જ તેમનો ફરવાનો મૂડ આઉટ થઈ ગયો છે. હવે રોજ એ વિચારીને ઊંઘ નથી આવતી કે હવે ફરી જ્યારે અમદાવાદ આવશે ત્યારે તેમની હાલત શું થશે?
પાસા કરીશું તેમ ડરાવીને એક એજન્સીના પોલીસ કર્મીએ બુટલેગર પાસે પાંચ લાખનો તોડ કરી નાખ્યો
અમદાવાદની એક એજન્સી દ્વારા શહેરના નામથી જાણીતા વિસ્તારમાં કોટ વિસ્તારમાં દારુની રેડ પાડવામાં આવી હતી. આ દરોડા દરમિયાન ઈલ્લી બિલ્લી તિલ્લી નામથી જાણીતા એક બુટલેગરની ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી મોટા પ્રમાણમાં દારુનો જથ્થો મળી આવ્યો હતો. આ બુટલેગર હિસ્ટ્રિશિટર છે અને તે કાયદા-કાનૂનનો પણ જાણકાર હતો. પોલીસ બેડામાં ચાલતી ચર્ચા મુજબ, છેલ્લા કેટલાક દિવસથી આ બુટલેગરને પોલીસ રોજ બોલાવતી અને બે-ત્રણ કલાક બેસાડતી. તોડ કરવા માટે આ એજન્સીના કેટલાક પોલીસ કર્મીઓ તેને ધમકાવતા અને કહેતા કે તને પાસામાં જ ધકેલવામાં આવશે. પોલીસે તો પાસાના કાગળિયા પણ તૈયાર કરી દીધા હોવાનું જણાવતા. આથી ડરી ગયેલા બુટલેગરે શરણાગતિ સ્વીકારી લીધી અને કહ્યું કે, તમારે કેટલામાં સેટલમેન્ટ કરવું છે. તકનો લાભ જોઈને પોલીસે મોટું મોં ફાડ્યું, પણ રકઝકના અંતે પાંચ લાખમાં ખેલ પાડી દીધો હોવાની ચર્ચા પોલીસ બેડામાં ચાલી રહી છે.