ભારતીય સિનેમાની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મ ‘રામાયણ’માં માતા સીતાનું પાત્ર ભજવનારી સાઉથ સુપરસ્ટાર સાઈ પલ્લવી આજે ૩૪ વર્ષની થઈ ગઈ છે. એક સામાન્ય ડાન્સ રિયાલિટી શોના સ્પર્ધકથી લઈને ભારતની ટોચની એક્ટ્રેસ બનવા સુધીની તેની સફર કોઈ ફિલ્મી વાર્તાથી કમ નથી.
બાળ કલાકારથી કારકિર્દીની શરૂઆત
સાઈ પલ્લવીએ માત્ર ૧૩ વર્ષની વયે ૨૦૦૫માં ‘કસ્તૂરી માન’ ફિલ્મથી બાળ કલાકાર તરીકે ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ ૨૦૦૮માં કંગના રનૌતની ફિલ્મ ‘ધામ ધૂમ’ માં તે જુનિયર આર્ટિસ્ટ તરીકે જોવા મળી હતી. જોકે, તેને અસલી ઓળખ તમિલ ડાન્સ રિયાલિટી શો ‘ઉંગાલિલ યાર ઉધુતા પ્રભુ દેવા’ દ્વારા મળી હતી.
મેકઅપ વગર કામ કરવાની ૩ શરતો
સાઈ પલ્લવી વ્યવસાયે ડૉક્ટર છે અને તેણે જ્યોર્જિયાથી અભ્યાસ કર્યો છે. જ્યારે ડિરેક્ટર અલ્ફોન્સ પુથ્રેને તેને ફિલ્મ ‘પ્રેમમ’ ઓફર કરી, ત્યારે સાઈએ ૩ મુખ્ય શરતો મૂકી હતી: ૧. શૂટિંગ માત્ર કૉલેજની રજાઓમાં જ થશે. ૨. તે માત્ર આરામદાયક કપડાં જ પહેરશે. ૩. ફિલ્મમાં મેકઅપ નહીં કરે. ચહેરા પર ખીલ હોવા છતાં સાઈએ નેચરલ લુકમાં કામ કર્યું અને આ ફિલ્મ માટે તેને ૬ ડેબ્યૂ એવોર્ડ્સ મળ્યા હતા.
૨ કરોડની એડ ઠુકરાવી અને ‘રાઉડી બેબી’નો રેકોર્ડ
-
નેચરલ બ્યુટી: સાઈ પલ્લવીએ ૨ કરોડ રૂપિયાની ફેરનેસ ક્રીમની જાહેરાત એ કહીને ઠુકરાવી દીધી હતી કે તે નેચરલ બ્યુટીમાં વિશ્વાસ રાખે છે.
-
ઐતિહાસિક ગીત: પ્રભુ દેવા દ્વારા કોરિયોગ્રાફ કરાયેલું તેનું ગીત ‘રાઉડી બેબી’ યુટ્યુબ પર ૧.૫ બિલિયન વ્યુઝ મેળવનાર પહેલું સાઉથ ઇન્ડિયન ગીત બન્યું છે.
-
કિસિંગ સીનનો ઇનકાર: વિજય દેવરકોંડાની એક ફિલ્મ તેણે માત્ર એટલા માટે ઠુકરાવી દીધી હતી કારણ કે તેમાં કિસિંગ સીન આપવાનો હતો.
વિવાદોમાં પણ રહ્યું છે નામ
સાઈ પલ્લવી તેના નિવેદનોને કારણે વિવાદોમાં પણ રહી છે. તેણે કાશ્મીરી પંડિતોના નરસંહારની સરખામણી ગૌ તસ્કરીના લિંચિંગ સાથે કરતા વિવાદ થયો હતો, જેના પર બાદમાં તેણે માફી માંગી હતી. આ ઉપરાંત ભારતીય સેના વિશેના એક જૂના વીડિયોને કારણે પણ સોશિયલ મીડિયા પર તેનો વિરોધ થયો હતો.
૧૧ વર્ષની કારકિર્દીમાં સાઈ પલ્લવીએ અત્યાર સુધીમાં ૩૪ એવોર્ડ્સ પોતાના નામે કર્યા છે. હવે ચાહકો તેને મોટા પડદે માતા સીતાના સ્વરૂપમાં જોવા માટે આતુર છે.