ગાંધીનગર: ગુજરાતમાં સરકારી અને ખાનગી કોલેજોમાં પ્રવેશ માટેની GCAS (Gujarat Common Admission Service) પોર્ટલની પ્રક્રિયામાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને ફોર્મ ભરવામાં થતી મુશ્કેલીઓ અને સાયબર કાફેમાં થતી ભૂલોને રોકવા માટે હવે રાજ્યની તમામ કોલેજોને જ સૂચના આપવામાં આવી છે કે તેઓ વિદ્યાર્થીઓને ફોર્મ ભરી આપવામાં મદદ કરે.
નજીકની કોલેજમાં ફ્રી સુવિધા, સાયબર કાફેથી બચવા અપીલ
GCAS પોર્ટલ પર ફોર્મ ભરતી વખતે અનેક ક્ષતિઓ સામે આવતી હોવાથી એડમિશન પ્રક્રિયા લંબાતી હતી. આ સમસ્યાના ઉકેલ માટે હવે વિદ્યાર્થીઓ પોતાની નજીકની કોઈપણ કોલેજ કે યુનિવર્સિટીમાં જઈને મફત (Free) માં ફોર્મ ભરાવી શકશે. સત્તાવાળાઓએ વિદ્યાર્થીઓને અપીલ કરી છે કે તેઓ સાયબર કાફેમાં જઈને ફોર્મ ન ભરે, કારણ કે ત્યાં થતી નાની ભૂલને કારણે પસંદગીની કોલેજ ગુમાવવી પડી શકે છે.
તમે અમારા અગાઉના એડમિશન ડોક્યુમેન્ટ્સ ગાઈડ અને યુનિવર્સિટી લિસ્ટ વિશે પણ વાંચી શકો છો.
હેલ્પલાઇન નંબર અને AI એજન્ટની સુવિધા
જો કોઈ કોલેજ કે યુનિવર્સિટી ફોર્મ ભરી આપવામાં આનાકાની કરે, તો વિદ્યાર્થીઓ સીધા હેલ્પલાઇન નંબર પર ફરિયાદ કરી શકશે:
-
હેલ્પલાઇન ૧: 079 23277360
-
હેલ્પલાઇન ૨: 079 22880080 આ ઉપરાંત, આ વર્ષે પ્રથમ વખત ફોર્મ ભરવામાં મદદ માટે AI એજન્ટની સુવિધા પણ પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
રજીસ્ટ્રેશન ફીમાં મોટો ફેરફાર
આ વર્ષે કેટેગરી મુજબ રજીસ્ટ્રેશન ફીમાં રાહત આપવામાં આવી છે:
-
જનરલ કેટેગરી: ₹300
-
SC, ST અને EWS કેટેગરી: ₹150 (ગત વર્ષે ₹300 હતી)
માત્ર 4 રાઉન્ડમાં પ્રક્રિયા પૂર્ણ કરવાનું આયોજન
અગાઉ એડમિશન પ્રક્રિયા ૩૦-૩૦ રાઉન્ડ સુધી ચાલતી હતી, જેના કારણે શૈક્ષણિક કાર્ય મોડું શરૂ થતું હતું. આ વખતે GCAS દ્વારા માત્ર ૪ રાઉન્ડમાં જ તમામ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે. રાજ્યની ૧૫ સરકારી અને ૧૯ ખાનગી યુનિવર્સિટીઓના ૧૦૦થી વધુ કોર્સ માટે આ પોર્ટલ મારફતે એડમિશન અપાશે.
વધુ માહિતી માટે GCAS સત્તાવાર પોર્ટલ ની મુલાકાત લો.