વાચકમિત્રો ‘ખાખીની ખટપટ’ નામથી અમે એક રસપ્રદ પ્રસ્તુતિ અહીં રજૂ કરી રહ્યાં છીએ. આ ખાસ લેખમાં ગુજરાતના પોલીસ બેડામાં ચાલી રહેલી ખટપટ, ચર્ચાઓ અને ગપશપને વ્યંગાત્મક શૈલીમાં રજૂ કરી રહ્યાં છીએ. રાજ્યના કોઈપણ પોલીસ સ્ટેશનમાં ચર્ચાયેલી મજેદાર વાત હોય કે ઉચ્ચ અધિકારીની ચેમ્બરમાં થયેલી કોઈ ખાનગી ચર્ચા હોય આ પ્રકારની ઘટનાને અમે દર અઠવાડિયે એક રમૂજ તરીકે પ્રસ્તૂત કરીશું.લલકાર ન્યૂઝના પ્લેટફોર્મ પર રજૂ થતી ખાસ પ્રસ્તુતિ ખાખીની ખટપટ કોઈ કર્મચારી કે અધિકારીને નીચું દેખાડવા નહીં પરંતુ હળવી શૈલીમાં ખબરદાર કરવા માટે છે. તો વાંચો લલકાર ન્યઝની વેબસાઈટ પર અને જુઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દર અઠવાડિયે રજૂ થતી ખાખીની ખટપટ.
ચાંદ જેવા વિસ્તારમાં તોડપાણીનો ખેલ!, ગાડી વેપારીની જાય અને જેલ પણ વેપારીને જ થાય!
શહેરના જે વિસ્તારના નામમાં ‘ચાંદ’ લાગે છે, ત્યાં અત્યારે અંધેર નગરી જેવો ઘાટ છે. પોલીસ બેડામાં ચર્ચા છે કે એક PSI સાહેબ ગુનેગારોના ‘બ્રાન્ડ એમ્બેસેડર’ બનીને બેઠા છે. જો ‘તોડપાણી’ની કોઈ ઓલિમ્પિક સ્પર્ધા યોજાય, તો આ સાહેબને વગર મહેનતે ગોલ્ડ મેડલ આપવો પડે એવી તેમની માસ્ટરી છે.
આ પીએસઆઈની સિદ્ધિઓ જાણીને ભલભલા ચોંકી જાય તેમ છે. તેમનો સોફ્ટ ટાર્ગેટ છે— કાર ભાડે આપનારા વેપારીઓ. ખેલ એવો છે કે અસામાજિક તત્ત્વો વેપારીની કાર ભાડે લઈ જઈ બારોબાર વેચી મારે છે. જ્યારે લૂંટાયેલો વેપારી ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન જાય, ત્યારે સાહેબ પોતાની માયાજાળ રચે છે. ફરિયાદ નોંધવાને બદલે સાહેબ સામો સવાલ કરે છે— “તેં ગાડી આપી જ કેમ?”
ચર્ચાઈ રહ્યું છે કે આ સાહેબની લુટારુઓ સાથે સીધી મિલિભગત છે. ફરિયાદીને જ આરોપી બનાવી ડરાવવામાં સાહેબ એક્સપર્ટ છે. આજે અનેક વેપારીઓ આ સાહેબને કારણે રાતા પાણીએ રડી રહ્યા છે. હવે સવાલ એ છે કે જો રક્ષક જ ભક્ષક બને, તો વેપારીઓએ ન્યાયની આશા કોની પાસે રાખવી?
અમદાવાદ પોલીસમાં ભાઈ-ભાઈની જુગલબંધી, ACBના છટકામાંથી બચેલા PIનો શહેરમાં તરખાટ
અમદાવાદના પોલીસ બેડામાં અત્યારે ખાખીના રંગ કરતાં લોહીના સંબંધોનો રંગ વધુ ઘાટો દેખાઈ રહ્યો છે. ‘બડે મિયાં છોટે મિયાં’ની આ જોડીએ શહેરમાં એવો તરખાટ મચાવ્યો છે કે શિસ્તબદ્ધ ગણાતા વિભાગમાં પણ ગણગણાટ શરૂ થયો છે. કિસ્સો કંઈક એવો છે કે એજન્સીમાં PI તરીકે વગ ધરાવતા ‘બડે મિયાં’એ પોતાની વગ વાપરીને ‘છોટે મિયાં’ (ભાઈ)ની અબજો રુપિયાનું ઉઠમણું થયું હતું એવી બેંકના નામથી જાણીતા પોલીસ સ્ટેશનમાં નિમણૂક કરાવી દીધી, જ્યાં તેઓ પોતે અગાઉ ફરજ બજાવી ચૂક્યા છે.
જાણે આ પોલીસ સ્ટેશન કોઈ સરકારી કચેરી નહીં, પણ પિતૃક સંપત્તિ હોય તેમ એક ભાઈની ખાલી પડેલી ગાદી પર બીજા ભાઈનો રાજ્યાભિષેક થયો છે! ઉચ્ચ અધિકારીઓની ‘ગુડ બુક’માં હોવાનો આવો ફાયદો ભાગ્યે જ કોઈને મળતો હશે. આ શાંત સ્વભાવના પીઆઈ સાહેબનો ભૂતકાળ પણ રોમાંચક રહ્યો છે. જ્યારે તેઓ પાથરણાં બજાર વિસ્તારમાં PSI હતા, ત્યારે ACBના છટકામાંથી માંડ-માંડ બચ્યા હતા. ‘સુરા’ જેવો ઘા કરવામાં માહિર આ જોડીની જુગલબંધી અત્યારે ચર્ચાનો વિષય બની છે. સવાલ એ છે કે, આ ‘ફેમિલી સેટિંગ’ શહેરમાં કાયદો જાળવશે કે પછી સત્તાના જોરે પોતાનો અલગ જ ‘વહીવટ’ ચલાવશે?