બ્રિટન (UK) ના રાજકીય ઇતિહાસમાં એક અભૂતપૂર્વ અને ગૌરવપૂર્ણ ક્ષણ સામે આવી છે. યુકેના ઇતિહાસમાં સર્વપ્રથમવાર ભારતીય મૂળના માતા અને પુત્રની જોડી એકસાથે બ્રિટનના અલગ-અલગ શહેરોમાં મેયર પદ પર ચૂંટાઈ આવી છે. આ સાથે જ ૨૩ વર્ષના યુવાને બ્રિટનના સૌથી નાની ઉંમરના મેયર બનવાનું બહુમાન પણ મેળવ્યું છે, જે સમગ્ર વિશ્વમાં વસતા ભારતીયો માટે ભારે ગૌરવની વાત છે.
માતા હર્ટ્સમેરના અને પુત્ર બોરહામવુડના મેયર બન્યા
મૂળ ઉત્તર પ્રદેશના મેરઠના વતની એવા આ ભારતીય પરિવારના તુષાર કુમારે (૨૩ વર્ષ) બોરહામવુડ ટાઉન કાઉન્સિલના (Borehamwood Town Council) સૌથી યુવા મેયર બનીને ઇતિહાસ રચી દીધો છે. જ્યારે તેમના માતા પ્રવીણ રાની હર્ટ્સમેર બરો કાઉન્સિલના (Hertsmere Borough Council) મેયર તરીકે ચૂંટાઈ આવ્યા છે. બ્રિટનના ઇતિહાસમાં આ પ્રકારની આ પહેલી ઘટના છે.
મેરઠથી યુકે સુધીની શાનદાર સફર
આ ગૌરવશાળી પરિવાર વર્ષ ૨૦૧૩માં ભારતની ધરતી છોડીને મેરઠથી યુકે શિફ્ટ થયો હતો. વિતેલા ૧૩ વર્ષો દરમિયાન આ પરિવારે બ્રિટનમાં રહીને સમાજની સક્રિય સેવા કરી છે. પશ્ચિમી સંસ્કૃતિ વચ્ચે રહીને પણ પોતાના સાંસ્કૃતિક મૂળિયાં સાથે જોડાયેલા રહીને આ પરિવારે બ્રિટનમાં ભારતીય મૂળના બાળકોમાં હિન્દી ભાષાના શિક્ષણ અને ભારતીય સંસ્કારોને પ્રોત્સાહન આપવા માટે મોટું યોગદાન આપ્યું છે.
બ્રિટનના રાજકારણમાં માતા-પુત્રની આ જોડીની સફળતા વૈશ્વિક સ્તરે ભારતીયોની સમર્પણ ભાવના, લોકસેવા અને સાંસ્કૃતિક મજબૂતીનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે. આ ઐતિહાસિક સિદ્ધિ બદલ સમગ્ર બ્રિટન અને ભારતમાં વસતા લોકો આ પરિવાર પર સોશિયલ મીડિયાના માધ્યમથી અભિનંદનનો વરસાદ કરી રહ્યા છે.