ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા ઉડાડતા વધુ એક મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. અમદાવાદના નિકોલ રિંગ રોડ પર આવેલા દાસ્તાન સર્કલ પાસેથી પીસીબી (પોલીસ કમિશનર ગુપ્તચર શાખા) ની ટીમે મોડી રાત્રે એક હાઈવોલ્ટેજ ઓપરેશન પાર પાડીને વિદેશી દારૂથી ખિચોખિચ ભરેલું આખું કન્ટેનર ઝડપી પાડ્યું છે. પોલીસે આ રેડ દરમિયાન કુલ ₹૧.૩૪ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં ₹૧.૧૯ કરોડની કિંમતનો વિદેશી દારૂ શામેલ છે.
ફિલ્મી ઢબે ટ્રાફિક જામ સર્જીને કન્ટેનર આંતર્યું
પીસીબીના પીઆઇ જે.પી. જાડેજાની ટીમને એક ચોક્કસ બાતમી મળી હતી કે એક કન્ટેનરમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો પસાર થઈ રહ્યો છે. બાતમીના આધારે પોલીસે કોઈ પણ પ્રકારના જોખમ વિના કન્ટેનરને પકડવા માટે દાસ્તાન સર્કલ પાસે રોડ પર કુત્રિમ ટ્રાફિક જામ સર્જ્યો હતો. કન્ટેનર ટ્રાફિકમાં ફસાતા જ પોલીસે તેને ચારેય તરફથી ઘેરી લીધું હતું.
પ્લાસ્ટિક વેસ્ટની આડમાં ૨૨,૬૬૮ દારૂની બોટલો
પોલીસે જ્યારે કન્ટેનરના ચાલકને અટકાવ્યો ત્યારે તેણે શરૂઆતમાં સ્માર્ટનેસ વાપરીને ટ્રકમાં રિસાયક્લિંગ પ્લાસ્ટિક વેપર્સ હોવાનું કહી તેની સત્તાવાર બિલ્ટી પણ બતાવી હતી. જોકે, પોલીસ પાસે પાકી બાતમી હોવાથી કન્ટેનરનું સીલ તોડીને તપાસ કરવામાં આવી હતી. અંદર જોતા જ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ગયા હતા; પ્લાસ્ટિકની આડમાં ખાખી બોક્સના થપ્પે-થપ્પા ગોઠવીને રાખેલી કુલ ૨૨,૬૬૮ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.
ઉદયપુરથી વડોદરાની ડિલિવરી, ડ્રાઈવરને મળવાના હતા ₹૫૦,૦૦૦
પોલીસે કન્ટેનરના ચાલક હનુમાનરામ ચૌધરીની સ્થળ પર જ ધરપકડ કરી લીધી હતી. પ્રાથમિક પૂછપરછમાં ડ્રાઈવરે કબૂલાત કરી છે કે, આ દારૂનો જથ્થો રાજસ્થાનના ઉદયપુર ખાતેથી ‘રવિ’ નામના શખ્સે ભરી આપ્યો હતો. આ દારૂની ડિલિવરી વડોદરા (બરોડા) ખાતે કોઈ અજાણ્યા શખ્સને આપવાની હતી અને આ એક ફેરા માટે ડ્રાઈવરને ₹૫૦,૦૦૦ મળવાના હતા.
આ મામલે વડોદરાના બુટલેગર અને ઉદયપુરના સપ્લાયર સહિત કુલ ૪ આરોપીઓ સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને પીસીબીએ આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.