ગાંધીનગર:
હવામાન વિભાગની નવીનતમ આંકડાકીય વિગતો અને આગાહી મુજબ આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસાની તીવ્રતામાં મોટો વધારો થવાની શક્યતા છે. ખાસ કરીને તા. ૩૧ જુલાઈના રોજ અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગ એમ ૮ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદને પગલે ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ‘ઓરેન્જ એલર્ટ’ આપવામાં આવ્યું છે.
હવામાનની આ ગંભીર ચેતવણીને ધ્યાનમાં રાખીને સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગર ખાતે રાહત કમિશનર શ્રી ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં ‘વેધર વૉચ ગ્રુપ’ની મહત્વની બેઠક યોજાઈ હતી.

આગામી દિવસોનું હવામાન કેવું રહેશે?
https://youtu.be/GoTvK5vEN_M?si=sLu41F_iU8WM4wpb
-
તા. ૨૯ અને ૩૦ જુલાઈ: પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, સુરત અને દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી.
-
તા. ૩૧ જુલાઈ: ૮ મુખ્ય જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની સંભાવના.
-
તા. ૧ ઓગસ્ટ: ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ‘ઓરેન્જ એલર્ટ’ સાથે મુસળધાર વરસાદની સ્થાનિક આગાહી.

હોર્ડિંગ્સ અને જર્જરિત બિલ્ડિંગો હટાવવા સૂચના
બેઠકમાં રાહત કમિશનરે જણાવ્યું હતું કે ભારે પવન અને વરસાદથી થતાં નુકસાનને અટકાવવા માટે માર્ગ-મકાન વિભાગ તેમજ મહાનગરપાલિકાઓને જોખમી હોર્ડિંગ્સ, ફ્લેક્સ બેનર્સ અને જર્જરિત મકાનોને તાત્કાલિક અસરથી દૂર કરવા તાકીદ કરાઈ છે. આ ઉપરાંત, વરસાદ અંગેની દરેક વોર્નિંગ કે મેસેજ છેવાડાના માનવી, કાચા મકાનોમાં રહેતા લોકો અને મજૂર વર્ગ સુધી સમયસર પહોંચાડવા સ્પષ્ટ આદેશો આપવામાં આવ્યા છે.
https://youtu.be/GoTvK5vEN_M?si=sLu41F_iU8WM4wpb
રાજ્યમાં વિષમ વરસાદી પેટર્ન: ક્યાંક ઓછો તો ક્યાંક સાંબેલાધાર
રાહત કમિશનર શ્રી ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે, “રાજ્યમાં હાલમાં વરસાદની અત્યંત વિષમ પેટર્ન જોવા મળી રહી છે. દ્વારકામાં હજુ ઓછો વરસાદ છે, જ્યારે વલસાડ અને નવસારીમાં મોસમનો ૧૦૦ ટકા જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ધોળકામાં તો માત્ર બે કલાકમાં ૨૦ ઈંચ જેટલો અભૂતપૂર્વ વરસાદ નોંધાયો હતો.”

રેસ્ક્યૂ કામગીરી અને સ્થળાંતરના આંકડા:
સુરક્ષા દળોની કામગીરીની પ્રશંસા કરતા તેમણે ઉમેર્યું હતું કે NDRF, SDRF, કોસ્ટગાર્ડ અને આર્મીના સંકલનથી અત્યાર સુધીમાં હજારો જીવ બચાવી શકાયા છે.
-
૫૩,૬૦૦ થી વધુ નાગરિકોને પૂરની સ્થિતિ પહેલાં સલામત સ્થળે ખસેડાયા.
-
૯,૬૦૦ થી વધુ ફસાયેલા લોકોને પૂરના પાણીમાંથી સફળતાપૂર્વક ઉગારી લેવાયા.
આ બેઠકમાં નેવી, આરોગ્ય, વન, કૃષિ અને મહેસૂલ સહિત તમામ સંકલિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા અને તમામ ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.