અમદાવાદ: બુધવારે રાત્રે ૮ વાગ્યે થલતેજ સ્મશાનગૃહમાં સામાન્ય લોકોની સાથે-સાથે મોટા પોલીસ અધિકારીઓ, રાજકારણીઓ અને સટ્ટાબજારના દિગ્ગજોનું ટોળું ઉમટી પડ્યું હતું. આ ભીડ કોઈ સામાન્ય માણસની અંતિમ વિદાય માટે ન હતી, પરંતુ આ એ માણસ હતો જેણે આખા ભારતના સટ્ટા કિંગ રતન ખત્રીનો ધંધો ઓવરટેક કર્યો હતો. આ કહાની છે ફિલ્મી પડદાને પણ ટક્કર મારે તેવા પાત્ર ઘનશ્યામ ઢોલિયા ઉર્ફે ઘનશ્યામ ઢોલી ની, જેનું તાજેતરમાં જ હાર્ટ એટેકથી અવસાન થયું છે.
જ્યોતિષની એક ભવિષ્યવાણી અને સફરની શરૂઆત
દરિયાપુરમાં સામાન્ય પરિવારમાં જન્મેલો અને નાનપણથી રખડપટ્ટી કરતો ઘનશ્યામ એકવાર પોતાના વિસ્તારના એક જ્યોતિષ પાસે ગયો હતો. જ્યોતિષે કુંડળી જોઈને કહ્યું હતું કે, “દસમે રાહુ-કેતુનો યોગ છે, તું સટ્ટા અને જુગારમાં જ ચાલીશ.” આ એક વાક્યથી ઘનશ્યામે સટ્ટાની દુનિયામાં એન્ટ્રી કરી. કડવા પોળમાંથી સટ્ટો ભરતા શીખેલો ઘનશ્યામ જોતજોતામાં ઝન્ના-મન્ના અને માંગ પત્તું જેવા જુગાર ઘરેથી જ ચલાવવા લાગ્યો.
અંડરવર્લ્ડ ડોન લતીફ સાથેની કાંટાની ટક્કર
૯૦ ના દાયકામાં અમદાવાદમાં ડોન લતીફનો ખોફ હતો. જ્યારે મુંબઈથી ૩ શૂટર્સ લતીફને મારવા અમદાવાદ આવ્યા, ત્યારે ઘનશ્યામે તેમને આશરો આપ્યો હતો. જોકે, આ પ્લાનની ભનક લતીફને લાગી ગઈ અને તેણે ઘનશ્યામનું અપહરણ કરી લીધું. ઘનશ્યામ પાસેથી કબૂલાત કરાવ્યા બાદ લતીફે શૂટર્સના અડ્ડા પર ફાયરિંગ કરાવ્યું જેમાં એક શૂટરનું મોત નીપજ્યું હતું.
રતન ખત્રીનો ધંધો પચાવી પાડ્યો: બન્યો બેતાજ બાદશાહ
ઘનશ્યામની જિંદગીનો ટર્નિંગ પોઇન્ટ મુંબઈની મુલાકાત હતો. ત્યાં તેની મુલાકાત રતન ખત્રીના ખાસ માણસ પપ્પુ સાવલા સાથે થઈ. પપ્પુ જ્યારે જેલમાં ગયો ત્યારે તેણે પોતાનો સટ્ટાનો ધંધો ઘનશ્યામને સાચવવા આપ્યો હતો. પરંતુ ઘનશ્યામે એવો સિક્કો જમાવ્યો કે તેણે એ ધંધો ક્યારેય પરત ન કર્યો. આખા ભારતના આંકડા હવે ઘનશ્યામ જ કાઢતો હતો અને રોજના અબજો રૂપિયાનો સટ્ટો તેના ઇશારે રમાતો હતો.
નેપાળમાં કેસિનો, સિડનીમાં હોટલ અને ગરીબોનો મસીહા
એક સમયે રિલીફ રોડ પર ‘જેક્સન જીમખાના’ના નામે મોટો જુગારધામ ચલાવતા ઘનશ્યામે નેપાળમાં કેસિનો અને ઓસ્ટ્રેલિયાના સિડનીમાં હોટલ પણ ખરીદી લીધી હતી. પોલીસની પકડથી બચવા તે દુબઈ અને ગોવાથી પણ આંકડા કાઢતો હતો. ગુનાહિત દુનિયાનો બાદશાહ હોવા છતાં, ૧૯૮૫ ના તોફાનો વખતે તે દરરોજ ૫ લાખ રૂપિયાનો રાહત સામાન વહેંચતો હતો.
દીકરીના પ્રેમે બચાવ્યો જીવ
એકવાર ભૂલથી ઘનશ્યામ ઢોલિયાની સોપારી અપાઈ ગઈ હતી. શૂટર્સ તેને મારવા પહોંચ્યા, પરંતુ ઘનશ્યામના હાથમાં તેની નાની દીકરીને રમેલી જોઈને શૂટર્સ પીછેહઠ કરી ગયા. તેમણે કહ્યું, “સાથે દીકરી છે, કાલ મારીશું.” જોકે, બીજો દિવસ આવે તે પહેલા જ ATS એ શૂટર્સને પકડી લીધા હતા.
સિગરેટના બંધાણી ઘનશ્યામે તબિયત લથડવા છતાં પોતાની આદત છોડી ન હતી અને અંતે હાર્ટ એટેકથી તેનું નિધન થયું. હવે સવાલ એ છે કે સટ્ટાની દુનિયાનું આ વિશાળ સામ્રાજ્ય કોણ સંભાળશે?