-
‘લેડી સિંઘમ’નો ફુલ પાવર: કામમાં શૂન્ય, પણ સાહેબગીરીમાં સુપરહીરો!
અમદાવાદના એક પ્રખ્યાત શૈક્ષણિક સંસ્થાન પાસે આવેલા પોલીસ સ્ટેશનમાં આજકાલ એક અનોખી ‘લેડી સિંઘમ’ની રીતસરની ધાક ચાલે છે! કામ ભલે શૂન્ય હોય, પણ સાહેબગીરી 100 ટકા. આખો દિવસ માત્ર હુકમો છોડવા અને કામ ન થાય તો સ્ટાફને હડધૂત કરવો એ જ એમની મુખ્ય સત્તાવાર ફરજ બની ગઈ છે. બિચારો સ્ટાફ એટલો કંટાળ્યો છે કે ઉચ્ચ અધિકારીઓ સુધી ફરિયાદો પહોંચી છે, પણ મેડમ પાસે તો પાછું બ્રહ્માસ્ત્ર તૈયાર જ હોય—”વધુ બોલશો તો સસ્પેન્ડ કરાવી દઈશ!”… હમણાં જે વિસ્તારમાં વિમાનોની સૌથી વધુ અવરજવર રહે છે તે પોલીસ સ્ટેશનમાં લુકઆઉટ નોટિસ રદ થઈ હોવા છતાં એક નિર્દોષ નાગરિકને પકડી રખાયો. સ્ટાફ અને ઉચ્ચ અધિકારીઓએ મેડમનો સંપર્ક કરવા ફોન પર ફોન કર્યા, પણ આપણા લેડી સિંઘમ તો કયાંક અલગ જ ‘મિજાજ’ના આકાશમાં વિહાર કરતા હતા, એટલે ફોન કેમ ઉપાડે? પરિણામે, પેલા માણસે વગર વાંકે 5 કલાક પોલીસ સ્ટેશનમાં જલસા કરવા પડ્યા! ભૂતકાળમાં એરપોર્ટ પર ફરજ દરમિયાન સિનિયર સાહેબે આપેલી વધુ પડતી ‘છૂટછાટ’નું આ પરિણામ છે. સિંઘમ ફિલ્મના અજય દેવગન તો ખાલી સ્ક્રીન પર જ ગર્જે છે, પણ આપણા મેડમ તો રીયલ લાઈફમાં આખા પોલીસ બેડાના નાકમાં દમ લાવીને સાચા ‘સુપરકોપ’ સાબિત થઈ રહ્યા છે!
2. પૂર્વ વિસ્તારમાં ‘ભા’ની દાદાગીરીઃ વેપારીઓ સાથે ‘યારાના’ અને પછી પીઠ પાછળ ઘા!
પૂર્વના ઔદ્યોગિક વિસ્તારનાં બે પોલીસ સ્ટેશનોમાં કાયદાનું નહિ, પણ સાક્ષાત ‘ભા’નું રાજ ચાલે છે! આ મહાશય છે તો સામાન્ય પોલીસકર્મી, પણ શામ-દામ-દંડ-ભેદના અસલી ‘પ્રોફેસર’ છે. પોલીસ બેડામાં ચાલતી ચર્ચા મુજબ, મોટા સાહેબોના ખિસ્સા ગરમ રાખીને અને મીઠી વાતોની ચાશણી પીવડાવીને તેણે આખોય વિસ્તાર પોતાના ગજવામાં મૂકી દીધો છે. બિલ્ડરો અને ઉદ્યોગપતિઓ સાથે પહેલાં ‘યારાના’ બાંધવાનું, એમની કુંડળી કાઢવાની અને પછી પીઠ પાછળ છરો ભોંકીને કરોડોનો ખેલ પાડવાનો—આ એમનો મનપસંદ બિઝનેસ આઈડિયા છે! રાજ્યની એજન્સીઓ સુધી એમની આ ‘સફળતા’ની સુવાસ પહોંચી ખરી, પણ ભાઈએ એડીચોટીનું જોર લગાવીને તપાસનો જ ‘વહીવટ’ કરી નાખ્યો હોય એવી પણ ચર્ચા ચાલી રહી છે. જો કોઈ બીજો વહીવટદાર આ વિસ્તારમાં ભૂલેચૂકે ય પગ મૂકે, તો ‘ભા’ અચાનક એટલા ‘ઈમાનદાર’ બની જાય કે અન્ય એજન્સીઓ પાસે દારૂ-જુગારના અડ્ડાઓ પર દરોડા પડાવી દે! હરીફો થાકીને ભાગી જાય એટલે ‘ભા’નું એકચક્રી શાસન અકબંધ રહે.
3. ગેરકાયદે કોલ સેન્ટરોના ‘ગુરુ’ તરીકે ઉભરી આવ્યા PSI અને હેડ કોન્સ્ટેબલ!
એક એજન્સીમાં ફરજ બજાવતા એક પીએસઆઈ અને એક હેડ કોન્સ્ટેબલ દેશભરમાં ચાલતા ગેરકાયદે કોલ સેન્ટરોના ‘ગુરુ’ તરીકે ઉભરી આવ્યા છે. આ બંને પોલીસ કર્મીઓ અમદાવાદના કોલ સેન્ટરના માસ્ટરમાઇન્ડ સાથે મળીને અલગ-અલગ રાજ્યોમાં ભાગીદારીમાં પોતાનું નેટવર્ક ચલાવી રહ્યા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. જ્યારે પણ કોઈ કોલ સેન્ટર પર દરોડા પડે કે પોલીસ કેસ થાય, ત્યારે આ પીએસઆઈ સીધા જ નાણાની કોથળી લઈને મધ્યસ્થી કરવા પહોંચી જાય છે. મુખ્ય આરોપીઓ અને માસ્ટરમાઇન્ડના નામ કેસમાં ન ખૂલે તે માટે તેઓ નાણાંની કોથળીઓ ખોલીને સેટિંગ પાડી દે છે. ખૂબ જ નાની ઉંમરે આ કાળા કારોબાર થકી તેઓ કરોડો અને અબજો રૂપિયાના આસામી બની ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. નોંધનીય છે કે, અગાઉ જ્યારે આ પીએસઆઈ અન્ય એક એજન્સીમાં ફરજ બજાવતા હતા, ત્યારે પણ કોલ સેન્ટરના કેસોમાં તેમની ભૂમિકા અત્યંત વિવાદિત રહી ચૂકી છે. બીજી તરફ, આ નેટવર્કમાં સામેલ એજન્સીના પોલીસ કર્મચારીના તાર છેક પંજાબ, ચંડીગઢ અને લુધિયાણા સુધી જોડાયેલા હોવાનું મનાય છે. અન્ય રાજ્યોના માસ્ટરમાઇન્ડ સાથે તેમની સીધી ભાગીદારી હોવાની ચર્ચા છે. આ પોલીસ કર્મીએ અગાઉ એસજી હાઇવે પર એક કાફે પણ શરૂ કર્યું હતું, જે મોટાભાગના કોલ સેન્ટરના સંચાલકો અને ગુનેગારો માટે ઉઠકબેઠકનો મુખ્ય અડ્ડો બની ગયું હતું. ત્રોનું માનીએ તો, જો ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ પીએસઆઈ, પોલીસ કર્મચારી અને શંકાસ્પદ કોલ સેન્ટર સંચાલકોના મોબાઇલની કોલ ડિટેઇલ (CDR) કઢાવવામાં આવે, તો સૌથી વધુ વાતચીતનો કાળો ચિઠ્ઠો અને અનેક કુખ્યાત ગુનેગારો સાથેના તેમના સીધા સંપર્કોનો મોટો પર્દાફાશ થઈ શકે તેમ છે. પોલીસની વર્દીનો ગેરલાભ ઉઠાવીને આ બંનેએ કોલ સેન્ટરના ગોરખધંધામાંથી જે પ્રકારે અબજો રૂપિયાની માયાજાળ ઊભી કરી છે, તેણે સમગ્ર પોલીસ વિભાગની કાર્યપ્રણાલી અને છબી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.