વચન આપનારા ધારાસભ્ય અને પોલીસ કર્મચારી વચ્ચે ગજગ્રાહ, કોણ મારશે મેદાન ?
અમદાવાદ શહેરના એક ધારાસભ્ય એક પોલીસ કર્મચારીના કારણે માથું પકડીને બેસી ગયા હોવાની ચર્ચા ચાલી રહી છે. આ પોલીસ કર્મચારી વર્ષોથી શહેરના ‘કોટડા’ જેવા એક પોલીસ સ્ટેશનમાં વહીવટ કરીને સ્થાનિક પીઆઇ તો ઠીક પણ પોલીસની અનેક એજન્સીઓના ઉચ્ચ પોલીસ અધિકારીઓના ખિસ્સા ગરમ રાખીને ખુશ રાખતો હતો. આ ઉપરાંત કોર્પોરેટરથી માંડીને ધારાસભ્યોની પણ સેવા કરતો હતો. જેના કારણે ધારાસભ્યથી માંડીને મોટાભાગના રાજકારણીઓ પણ તેનાથી ખૂબ જ ઘરોબો રાખતા હતાં. આ પોલીસ કર્મચારીએ તેના નજીકના સંબંધીને ટિકિટ આપવા માટે ધારાસભ્યને ભલામણ કરી હતી. આથી ધારાસભ્યે પોલીસકર્મીને બાંહેધરી આપી હોવાની ચર્ચા ચાલી રહી છે. નેતાઓ તો વચન આપીને ફરી જવામાં માહેર હોય છે તે સૌ જાણે છે. તેમ આ નેતાએ કોર્પોરેશનની ચૂંટણીની પેનલમાં પોલીસ કર્મચારીના સંબંધીનું નામ લખી દીધું હોવાનું કહ્યું હતું. પરંતુ તેના સંબંધીનુ ખરેખર પેનલમાં નામ જ નહોતું મૂક્યુ, તેની જાણ પોલીસકર્મીને થઇ ગઇ. તેના કારણે રાજકાણીએ પોતાની સાથે દગો કર્યો હોવાની જાણ થતાં જ તે લાલ-પીળો થઇ ગયો હતો. આથી તેણે તેના માણસોને એક્ટિવ કરીને ધારાસભ્યના નામની ફરિયાદ ગાંધીનગર નહીં પણ દિલ્હી દરબાર સુધી જાય તેવો તખ્યો તૈયાર કરીને તેના પર કામગીરી પણ શરુ કરી દીધી છે.હવે શહેરના મોટા-ભાગના વિસ્તારમાં ચર્ચા એ ચાલી રહી છે કે પોલીસ કર્મચારી ધારાસભ્યને ભારે પડશે કે નેતા પોલીસકર્મીની શાન ઠેકાણે લાવશે. નોંધનીય છે કે, આ પોલીસ કર્મચારીનો જે પોલીસ સ્ટેશનમાં વહીવટ ચાલતો હતો તે હવે બંધ થઈ ગયો છે,તેની બદલી પણ જિલ્લા બહાર થઇ ગઇ છે. લોકો એવું માની રહ્યા છે કે, હવે આ પોલીસ કર્મચારીનો દબદબો ઓછો થઈ ગયો છે, પરંતુ થોડા સમય પહેલાં જ એક એજન્સીની સામે પડ્યો હતો અને તેણે કોઈનો ડર જ નથી. આખા અમદાવાદમાં જે તે વખતના એક મોટા બુટલેગર સાથે આ પોલીસકર્મીએ હાથ મીલાવી દીધા હતા અને તે વખતના ઉચ્ચ પોલીસ અધિકારી સાથે પણ ગોઠવણ કરાવી દીધી હતી, આથી પોલીસની આખી સિસ્ટમનો જાણકાર હોવાથી કેટલાક પોલીસ અધિકારીઓ પણ આ પોલીસ કર્મચારીથી ડરતા હોવાની પોલીસબેડામાં જોરશોરથી ચર્ચા ચાલી રહી છે.
જ્યાં સૌથી વધુ બસોની અવરજવર થાય છે તે પોલીસ સ્ટેશન ખાનગી વહીવટદારનો દબદબો
શહેરમાં જ્યાં દરરોજ બસોની અવરજવર ખૂબ જ મોટા પ્રમાણમાં રહે છે તે વિસ્તારમાં આવેલું એક આખું પોલીસ સ્ટેશન એક ખાનગી વ્યક્તિ ચલાવતો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. આ પોલીસ સ્ટેશનમાં ક્યારેય કાગડા ઊડતા નથી તેવા પીઠ ખાનગી વહીવટદારનો અહી વર્ષોથી દબદબો હોવાનું પોલીસબેડામાં ચર્ચાઈ રહ્યું છે. જોકે થોડા સમય પોલીસ વિભાગના કેટલાક કર્મચારીએ આ પોલીસ સ્ટેશનાં હાથ અજમાવ્યો હતો, પરંતુ રમ પીને જામ માર્યો હોવાથી આખરે ખાનગી વહીવટદારે ફરી એકવાર તેનું પોતાનુ શાસન જમાવી દીધું છે. આ પોલીસ સ્ટેશનની બહાર નીકળતાંની સાથે જ ટ્રાફિકનો સામનો કરવો પડતો હોય છે, કાપડની રોજની કરોડો રૃપિયાની લેતી-દેતીનો વેપાર થતો હોય છે. તેમજ અહી બુટલેગરોનો પણ ખૂબ જ દબદબો રહેતો હોય છે, કયારેક તો બુટલેગરો આખું પોલીસ સ્ટેશન માથે લઇ લેતા હોય છે. નવાઇની વાત તો એ છે કે, આ ખાનગી વહીવટદારની પીઆઇ તો ઠીક પણ ઉચ્ચ અધિકારીઓને પણ જાણ હોવા છતાં તેને કોઇ હટાવી શકતુ ન હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. જો કે પોલીસ અધિકારીઓ આ ખાનગી વહીવટદારથી એટલા માટે ખુશ છે, કારણ કે તેમના ખિસ્સા તેમની અપેક્ષાથી પણ વઘારે ગરમ કરે છે. આ ઉપરાંત વર્ષોથી આ પોલીસ સ્ટેશનનો ખાનગી વ્યક્તિ વહીવટ કરતો હોવાથી આખા વિસ્તારમાં તેનો દબદબો છે, તેમજ ક્યાંથી વધારે પૈસૈ ખંખેરીને સાહેબને ખુશ રાખવા તે પણ તે સારી રીતે જાણે છે. જો કે બીજા કોઇ પોલીસ કર્મચારીઓ વહીવટ કરવા આવે તો ખાનગી વ્યક્તિ શામ-દામ, દંડ ભેદની નીતિ અપનાવી પોતાનુ જ શાસન જમાવે છે.
પોલીસની વર્ધીનો પાવર તો જુઓ, પોલીસ અધિકારીની ઓફિસ છે કે જમીન દલાલની ?
અમદાવાદ શહેરના એક એસીપીની ઓફિસ છે કે પછી જમીન દલાલની, તે બાબતની ચર્ચાએ પોલીસબેડામાં જોર પકડ્યું છે. અહીં લકઝ્યુરિયસ કારોનો સવારથી સાંજ સુધી જમાવડો જ જોવા મળે છે. તેમજ ભગવાનના મંદિર પાસે પોલીસ અધિકારીની ઓફિસ આવી હોવા છતાં ભગવાનનો પણ ડર રાખ્યા વગર કોઠા-કબાડા કરીને રોજના કરોડો રૃપિયાનો ખેલ પાડવામાં આવતો હોવાનુ જાણવા મળ્યું છે. નવાઇની વાત તો એ છે કે, આ જ ઓફિસે અગાઉ પણ એક એસીપી આ અધિકારીની જેમ જ જમીનોનો કાળો કારોબાર ચલાવતા હતા. જોકે હાલ તે અધિકારી નિવૃત્ત થઈ ગયા છે. પોલીસની વર્ધીનો ઉપયોગ કરીને સાહેબ જમીનોના સોદાગર બની ગયા છે. સૂત્રોની વાત માનીએ તો તેમના ભાઇ પણ પોલીસ અધિકારી જ છે, આથી સમાજમાં પણ એક સાહેબનો રુતબો હોવાનુ જાણવા મળ્યું છે. આ અધિકારી સાથે વાતચીત કરીએ તો તેઓ કુણા લાગે, પરંતુ અંદરથી તેઓ ખૂબ જ કઠોર હોવાની પોલીસબેડામાં ચર્ચા ચાલી રહી છે. આ સાહેબ જમીનો ખાલી કરવા માટે જેલવાસ કાપી રહેલા એક ગેંગસ્ટરના પણ સંપર્કમાં હોવાનુ જાણવા મળ્યું છે, તેમજ ગેંગસ્ટરના ખાસ માણસો પણ સાહેબની ઓફિસમાં જ ચાની ચુસ્કી લેતા હોય છે. સામાન્ય નાગિકો આ પોલીસ અધિકારીને રજૂઆત કરવા જાય તો તેમનો કલાકો સુધી બેસીને વિલા મોઢે ઘરે પરત જવુ પડે છે, કારણ કે તેમની રજૂઆત સાંભળવાનો સાહેબને ટાઇમ જ નથી હોતો અને જો ટાઇમ આપે તો પણ ફટાફટ સાંભળ્યું ના સાંભળ્યું કરીને રવાના કરી દેવાતા હોવાની લોકોમાં ચર્ચા ચાલી રહી છે. આ અધિકારીના રાજકીય ગોડફાધરો હોવાથી તેમણે કોઇનો ડર પણ નથી.