વિશ્વવિખ્યાત પંજાબી ગાયક અને બોલિવૂડ અભિનેતા દિલજીત દોસાંઝે મહેસાણા જિલ્લાના ઐતિહાસિક નગર વડનગરની મુલાકાત લઈ તેના ભવ્ય સાંસ્કૃતિક અને પુરાતત્વીય વારસાને નજીકથી નિહાળ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન એવા વડનગરના પ્રાચીન સ્થાપત્યો અને સમૃદ્ધ ઇતિહાસથી દિલજીત દોસાંઝ અત્યંત પ્રભાવિત થયા હતા અને તેમણે સમગ્ર મુલાકાત દરમિયાન ભારે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.
પોતાની આ મુલાકાત દરમિયાન દિલજીત દોસાંઝે સૌપ્રથમ વડનગરના સુપ્રસિદ્ધ અને પ્રાચીન શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે જઈ ભક્તિભાવપૂર્વક શીશ ઝુકાવીને દર્શન કર્યા હતા. ત્યારબાદ તેમણે વડનગરમાં નિર્માણ પામેલા અત્યાધુનિક ‘આર્કિયોલોજિકલ એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમ’ (Archaeological Experiential Museum) ની પણ મુલાકાત લીધી હતી. અહીં તેમણે હજારો વર્ષ જૂના ઉત્ખનનમાંથી મળી આવેલા અવશેષો, પ્રાચીન સ્થાપત્યો અને વડનગરના ઐતિહાસિક મહત્વ વિશે ઊંડાણપૂર્વક જાણકારી મેળવી હતી. ભારતની આ પ્રાચીન વિરાસત જોઈને તેમણે ગર્વ અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
