રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ અમદાવાદ જિલ્લાના સુપ્રસિદ્ધ નળ સરોવર પક્ષી અભયારણ્યની મુલાકાત લઈ, ત્યાં ચાલી રહેલા વિવિધ વિકાસકામો, પ્રવાસન માળખાકીય સુવિધાઓ તથા પર્યાવરણીય સંરક્ષણની કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. આ કુદરતી ધરોહરને વધુ સુવિધાસભર અને આધુનિક બનાવવાના ઉદ્દેશ્ય સાથે મંત્રીશ્રીએ નળ સરોવર ખાતે નિર્માણ પામી રહેલી કેન્ટીન, ઇન્ટરપ્રિટેશન સેન્ટર, ગ્રીનઝોન, બોટિંગ જેટી અને બર્ડવ્યુ પોઇન્ટ જેવી વિવિધ સુવિધાઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. પ્રવાસીઓ માટે આકર્ષણરૂપ નળ સરોવરના પુનર્વિકાસના પ્રોજેક્ટ્સ હાલ પૂર્ણતાના આરે છે અને જરૂરી અંતિમ ઔપચારિકતાઓ પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં જ બોટિંગ સુવિધા પણ પુનઃ શરૂ કરવામાં આવશે, જેનાથી પ્રકૃતિપ્રેમીઓના આનંદમાં વધારો થશે.
મુલાકાત દરમિયાન વન અને પર્યાવરણ મંત્રીના અધ્યક્ષસ્થાને વન વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓ સાથે એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. શિયાળાની ઋતુમાં દેશ-વિદેશથી આવતા હજારો યાયાવર પક્ષીઓના સુરક્ષિત વસવાટ, તેમના કુદરતી રહેઠાણના સંરક્ષણ અને અભયારણ્યની સમૃદ્ધ જૈવવિવિધતા ટકાવી રાખવાને વિશેષ પ્રાધાન્ય આપવા તેમણે અધિકારીઓને સૂચના આપી હતી. આ ઉપરાંત, પર્યાવરણીય સમતુલા જાળવી રાખીને ઇકો-ટુરિઝમને પ્રોત્સાહન આપવા, સ્વચ્છતા વ્યવસ્થા વધુ સુદૃઢ બનાવવા તેમજ પ્રવાસન પ્રવૃત્તિઓનો સીધો લાભ સ્થાનિક પરિવારો, નાના વ્યવસાયકારો અને ગાઈડ્સને મળે તેવા પ્રયાસો કરવા પર તેમણે ભાર મૂક્યો હતો. આ મુલાકાત અને બેઠકમાં વીરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ, સ્થાનિક આગેવાનો અને વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
