મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે 23 નવેમ્બરના રોજ વડતાલ સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજિત સામૈયામાં ઉપસ્થિત રહેવાના છે, ત્યારે તેમની મુલાકાતના બરાબર એક દિવસ પહેલાં જ વડતાલ મંદિર સંસ્થા દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. છેતરપિંડી અને ગેરરીતિના ગંભીર આક્ષેપોમાં ઘેરાયેલા એમ.પી. સ્વામી ઉર્ફે માધવપ્રિય સ્વામી અને ડી.પી. સ્વામી ઉર્ફે દર્શનપ્રિય સ્વામી સાથે વડતાલ સંસ્થાને કોઈ જ લેવાદેવા ન હોવાનું મંદિર પ્રશાસને સ્પષ્ટ કર્યું છે.
વડતાલ મંદિરના મેનેજર દ્વારા જારી કરવામાં આવેલી સત્તાવાર પ્રેસનોટમાં જણાવાયું છે કે, એમ.પી. સ્વામી એટલે કે માધવપ્રિય સ્વામી અને ડી.પી. સ્વામી એટલે કે દર્શનપ્રિય સ્વામી વડતાલ મંદિરના ચોપડામાં રજિસ્ટર નોંધાયેલા ત્યાગી સંતો નથી. આ બંને વ્યક્તિઓનો વડતાલ સ્વામિનારાયણ મંદિર સંસ્થા કે તેની તાબાની કોઈપણ શાખા સાથે કોઈ અધિકૃત સંબંધ નથી. છેલ્લા કેટલાક સમયથી આ બંને વ્યક્તિઓ દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના નામનો દુરુપયોગ કરીને અજાણી વ્યક્તિઓ સાથે ગેરરીતિ અને છેતરપિંડી આચરવામાં આવી હોવાના અહેવાલો સામે આવતા મંદિર ટ્રસ્ટે આ ખુલાસો કર્યો છે.
મંદિર પ્રશાસને નિવેદનમાં સ્પષ્ટ જણાવ્યું છે કે ઉપરોક્ત બંને વ્યક્તિઓ સાથે સંકળાયેલી કોઈપણ ગેરરીતિ, છેતરપિંડી કે વિવાદાસ્પદ બાબતોમાં વડતાલ સ્વામિનારાયણ મંદિર અથવા વડતાલ સંસ્થાનું નામ જોડવું નહીં. આ ઉપરાંત, સંસ્થાએ જાહેર જનતા અને સત્સંગ સમાજને અપીલ કરી છે કે કોઈપણ અનધિકૃત વ્યક્તિના નામે થતી પ્રવૃત્તિઓ કે આર્થિક વ્યવહારો અંગે સાવચેતી રાખવી અને સંસ્થાના નામે કોઈપણ વ્યવહારમાં જોડાતાં પહેલાં તેની સત્યતા અને અધિકૃતતાની ખાતરી અવશ્ય કરી લેવી. મુખ્યમંત્રીની મુલાકાત પહેલાં જ ટ્રસ્ટ દ્વારા જાહેર કરાયેલા આ નિવેદનથી ધાર્મિક જગત અને સત્સંગ વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.
