સુરત અને તાપી જિલ્લાના અંદાજે 2.50 લાખ જેટલા પશુપાલકો માટે દેવદિવાળીના પાવન પર્વ નિમિત્તે અત્યંત ખુશીના સમાચાર સામે આવ્યા છે. સુમુલ ડેરી (Sumul Dairy) દ્વારા પશુપાલકોના આર્થિક હિતને ધ્યાનમાં રાખીને એક મોટો અને આવકારદાયક નિર્ણય લેવામાં આવ્યો છે. ડેરીની મળેલી બોર્ડ મિટિંગમાં ગાય અને ભેંસના દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલોફેટે ₹50નો સીધો વધારો કરવાનો સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો છે, જેનો સીધો આર્થિક ફાયદો બંને જિલ્લાના લાખો પશુપાલક પરિવારોને થશે.
બોર્ડ મિટિંગમાં લેવાયેલા આ નિર્ણય મુજબ, હવે ગાયના દૂધનો ખરીદ ભાવ પ્રતિ કિલોફેટે ₹900થી વધારીને ₹950 કરવામાં આવ્યો છે. તેવી જ રીતે, ભેંસના દૂધના ખરીદ ભાવમાં પણ પ્રતિ કિલોફેટે ₹50નો વધારો ઝીંકવામાં આવતા ભાવ ₹930થી વધીને ₹980 થઈ ગયો છે. ડેરી પ્રશાસન દ્વારા જાહેર કરાયેલો આ નવો ભાવવધારો તાત્કાલિક અસરથી અમલી બનાવવામાં આવ્યો છે, જેના કારણે પશુપાલકોમાં ભારે ઉત્સાહ અને આનંદની લાગણી જોવા મળી રહી છે.
