વડોદરા: દેવ ઉઠી એકાદશીના પવિત્ર અવસરે વર્ષોથી ચાલી આવતી ઐતિહાસિક પરંપરા મુજબ આજે માંડવી પાસે આવેલા શ્રી વિઠ્ઠલનાથજી મંદિરમાંથી ભગવાન વિઠ્ઠલનાથજીનો ભવ્ય વરઘોડો નીકળ્યો હતો. રાજવી પરિવાર દ્વારા ભગવાનના શાસ્ત્રોક્ત પૂજન-અર્ચન કરવામાં આવ્યા બાદ વાજતે-ગાજતે આ વરઘોડાનો પ્રારંભ થયો હતો, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ભક્તો ઉમંગભેર જોડાયા હતા.
છેલ્લા ૨૧૬ વર્ષથી પ્રતિવર્ષ ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો નીકળે છે, ત્યારે સતત ૨૧૭મા વર્ષે પણ ભગવાનને પાલખીમાં બિરાજમાન કરીને આન-બાન અને શાન સાથે નગરચર્યાએ કાઢવામાં આવ્યા હતા. આ વરઘોડો માંડવી, એમ.જી. રોડ, લહેરીપુરા, ન્યાયમંદિર, પ્રતાપ ટોકીઝ, અમદાવાદી પોળ, રાવપુરા, કોઠી અને આરાધના ટોકીઝ થઈને ગેંડા ગેટ/ગેનેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચશે.
ગેનેશ્વર મહાદેવ મંદિર ખાતે શાસ્ત્રોક્ત વિધિ મુજબ તુલસી વિવાહ અને લગ્નની વિધિ સંપન્ન થયા બાદ બપોરે બે કલાકે વરઘોડો પરત ફરવા નીકળશે. પરત ફરતી વખતે આ વરઘોડો નાગરવાડા, ઘીકાંટા રોડ, અમદાવાદી પોળ, જ્યુબિલીબાગ, પ્રતાપ ટોકીઝ અને ન્યાયમંદિર થઈને સાંજે નીજ મંદિર ખાતે પરત ફરશે. સમગ્ર રૂટ પર ભક્તોમાં ભારે ઉત્સાહ અને ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.
બોક્સ મેટર: વરઘોડાનો પરંપરાગત રૂટ અને લગ્ન વિધિ વડોદરામાં ૨૧૭ વર્ષની પરંપરા મુજબ રાજવી પરિવારના પૂજન બાદ ભગવાન વિઠ્ઠલનાથજીની પાલખી માંડવીથી પ્રસ્થાન થઈ ગેનેશ્વર મહાદેવ મંદિર પહોંચે છે. ત્યાં લગ્નની વિધિ પૂર્ણ થયા બાદ બપોરે બે વાગ્યે નાગરવાડા અને ઘીકાંટા રોડ થઈ સાંજે નીજ મંદિર પરત ફરે છે.
