અમદાવાદ: ગુજરાતમાં હવે શિયાળાએ પોતાનો અસલી મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે. ઉત્તર-પૂર્વીય દિશામાંથી ફૂંકાઈ રહેલા સૂકા અને ઠંડા પવનોને કારણે રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં ૫ ડિગ્રી સુધી નીચું ગગડી ગયું છે. ખાસ વાત એ છે કે આ વખતે કચ્છના નલિયાને પણ પાછળ છોડીને અમરેલી ૧૧.૪ ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું છે, જ્યારે ગુજરાતીઓના પ્રિય હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તો પારો ગગડીને સીધો શૂન્ય (૦) ડિગ્રી પર પહોંચી ગયો છે.
રાજ્યના અન્ય મુખ્ય શહેરોની વાત કરીએ તો નલિયામાં ૧૧.૮ ડિગ્રી, ગાંધીનગરમાં ૧૨ ડિગ્રી, રાજકોટમાં ૧૩.૨ ડિગ્રી, વડોદરામાં ૧૩.૪ ડિગ્રી અને પોરબંદરમાં ૧૪ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં ૧૬ ડિગ્રી અને સુરતમાં ૧૬.૬ ડિગ્રી પારો રહેતા વહેલી સવારે અને મોડી રાત્રે ગુલાબી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે.
રાજ્યમાં અચાનક વધેલી ઠંડી પાછળનું કારણ સ્પષ્ટ કરતા હવામાન અધિકારી એ. ટી. દેસાઈએ જણાવ્યું હતું કે, નબળું પડેલું વાવાઝોડું ‘અકવાન’ અને ઉત્તર ભારતમાં સક્રિય થયેલા ‘વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ’ને કારણે પવનોની દિશા બદલાઈ છે. ઉત્તર-પૂર્વના સૂકા અને ઠંડા પવનો ફૂંકાવાને લીધે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટીને ૨૮ ટકા થઈ ગયું છે, જેના પરિણામે ઠંડીનું જોર વધ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી ૨૪ કલાક સુધી રાજ્યમાં આવી જ ઠંડી યથાવત્ રહેશે અને ત્યારબાદ તાપમાનમાં ૨ થી ૪ ડિગ્રીનો ક્રમશઃ વધારો થઈ શકે છે.
રાજ્યના મુખ્ય શહેરોનું લઘુત્તમ તાપમાન (ડિગ્રી સેલ્સિયસમાં)
-
માઉન્ટ આબુ: ૦.૦ ડિગ્રી (શૂન્ય)
-
અમરેલી: ૧૧.૪ ડિગ્રી (રાજ્યનું સૌથી ઠંડું શહેર)
-
નલિયા: ૧૧.૮ ડિગ્રી
-
ગાંધીનગર: ૧૨.૦ ડિગ્રી
-
રાજકોટ: ૧૩.૨ ડિગ્રી
-
વડોદરા: ૧૩.૪ ડિગ્રી
-
પોરબંદર: ૧૪.૦ ડિગ્રી
-
અમદાવાદ: ૧૬.૦ ડિગ્રી
-
સુરત: ૧૬.૬ ડિગ્રી
