ભાવનગર: ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા ભાવનગર શહેરના હલુરીયા ચોકથી ‘અરાજકતા હટાવો, દેશ બચાવો’ અભિયાન અંતર્ગત એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીને જીતુ વાઘાણી, પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધ દવે અને નિમુબેન બાંભણીયા સહિતના પક્ષના આગેવાનોએ પ્રસ્થાન કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં મંત્રી કુંવરજી બાવળીયા, કૌશિક વેકરીયા તેમજ ભાજપના સ્થાનિક હોદ્દેદારો, કાર્યકરો અને નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
ભાજપના આગેવાનો અને નેતાઓએ રેલી દરમિયાન કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. ભાજપના નેતાઓના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ દ્વારા વિવિધ મુદ્દે દુષ્પ્રચાર કરીને દેશને બાનમાં લેવાનો અને અસ્થિરતા સર્જવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પક્ષના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે, ખાસ કરીને મતદાર યાદી સુધારણા (SIR) અને મતચોરીના નામે દેશનું વાતાવરણ બગાડવાની કોશિશ થઈ રહી છે, તેમજ ચૂંટણી પંચ, સુપ્રીમ કોર્ટ અને ભાજપ વિશે જનમાનસમાં ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે.
વધુમાં, ભાજપના આગેવાનોએ દાવો કર્યો હતો કે વિદેશી તાકાતોના ઈશારે અન્ય દેશોની જેમ ભારતમાં પણ અંધાધૂંધી ફેલાવવાના અને દેશના ભોળા નાગરિકોને ભરમાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. ભાજપના જણાવ્યા મુજબ, આ પ્રકારના પ્રચાર સામે લોકો સુધી સાચો સંદેશ પહોંચાડવાના હેતુથી ‘અરાજકતા હટાવો, દેશ બચાવો’ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
