અમદાવાદ: દિવાળીના તહેવારોમાં બંપર ખરીદી બાદ હવે લગ્નસરાની સિઝનમાં પણ સોના-ચાંદીના દાગીનાની ધૂમ ખરીદી થવાની છે. પરંતુ, ગ્રાહકો માટે એક અત્યંત ચોંકાવનારી અને ચેતવણીરૂપ વિગત સામે આવી છે. અહેવાલો મુજબ, હાલ બજારમાં સોનાનું વજન વધારવા માટે તેમાં ચીનથી આવતો ‘રેનિયમ’ (Rhenium) નામનો એક ખાસ પ્રકારનો પાવડર ભેળવવામાં આવી રહ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ભેળસેળ એટલી હાઈટેક છે કે સામાન્ય તપાસ અને ટેસ્ટિંગ મશીનો પણ તેને પકડી શકતા નથી.
નિષ્ણાતોના મતે, આ ભેળસેળ કઈ રીતે ગ્રાહકો સાથે છેતરપિંડી કરે છે તે એક ટેસ્ટ પરથી સ્પષ્ટ થાય છે. જ્યારે ૭.૮૩ ગ્રામ શુદ્ધ સોનામાં ૧ ગ્રામ રેનિયમ પાવડર ભેળવવામાં આવ્યો, ત્યારે દાગીનાનું કુલ વજન વધીને ૮.૮૩ ગ્રામ થઈ ગયું, પરંતુ તેમાં અસલી સોનાની માત્રા જરાય વધી ન હતી. સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી કે સામાન્ય ટેસ્ટિંગ મશીને પણ આ મિશ્રણને ૨૪ કેરેટ શુદ્ધ સોનું બતાવી દીધું હતું, એટલે કે મશીન પણ આ ભેળસેળ પકડવામાં નિષ્ફળ રહ્યું હતું.
આટલું જ નહીં, આ મિશ્રણમાંથી તૈયાર થયેલા દાગીનાને ૨૨ કેરેટનું ગણાવીને હોલમાર્ક પણ મળી ગયો હોવાના અહેવાલો છે. પરંતુ જ્યારે આ દાગીનાની ઊંડાણપૂર્વક લેબોરેટરી તપાસ કરવામાં આવી, ત્યારે હકીકત સામે આવી કે તેમાં અસલી સોનું માત્ર ૮૧.૭૩ ટકા જ હતું. સરળ શબ્દોમાં કહીએ તો, તે ૨૨ કેરેટ નહીં પરંતુ લગભગ ૨૦ કેરેટ જેટલું જ સોનું હતું. આ પ્રકારની ભેળસેળથી ગ્રાહકો પાસેથી ૨૨ કેરેટના પૂરા પૈસા વસૂલવામાં આવે છે અને બદલામાં ઓછી શુદ્ધતાવાળું સોનું પધરાવીને મોટી આર્થિક છેતરપિંડી આચરવામાં આવી રહી છે.
બોક્સ મેટર: ‘રેનિયમ’ ભેળસેળનો ચોંકાવનારો ગણિત અને ટેસ્ટ રિપોર્ટ
-
મિશ્રણ: ૭.૮૩ ગ્રામ શુદ્ધ સોનું + ૧ ગ્રામ રેનિયમ પાવડર = કુલ ૮.૮૩ ગ્રામ વજન.
-
મશીન ટેસ્ટ: સામાન્ય ટેસ્ટિંગ મશીને આ ભેળસેળયુક્ત સોનાને પણ ૨૪ કેરેટ શુદ્ધ બતાવ્યું.
-
વાસ્તવિક શુદ્ધતા: ૨૨ કેરેટ હોલમાર્ક ગણાવાયેલા દાગીનામાં ઊંડી તપાસ બાદ માત્ર ૮૧.૭૩% (લગભગ ૨૦ કેરેટ) જ અસલી સોનું નીકળ્યું.
