ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો ધરાવતી વડનગરની પવિત્ર ધરા પર આયોજિત ભવ્ય ‘વિશ્વશાંતિ મહાયજ્ઞ’ની આજે અત્યંત ભક્તિભાવપૂર્ણ માહોલમાં પૂર્ણાહુતિ કરવામાં આવી છે. આ પાવન અવસરે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઐતિહાસિક નગરીમાં આયોજિત આ આધ્યાત્મિક મહોત્સવને કારણે સમગ્ર વડનગરનું વાતાવરણ ભક્તિમય અને ધર્મમય બની ગયું હતું, જેમાં મોટી સંખ્યામાં સંતો-મહંતો અને શ્રદ્ધાળુઓ જોડાયા હતા.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પૂજ્ય જગદગુરુ શંકરાચાર્ય સ્વામીજીની પ્રત્યક્ષ મુલાકાત લઈને તેમના આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ તેમણે જગદગુરુ શંકરાચાર્ય સ્વામીજી સાથે વૈદિક મંત્રોચ્ચારના પાવન વાતાવરણમાં યજ્ઞવિધિમાં સહભાગી થઈને સમગ્ર ગુજરાત રાજ્ય અને રાષ્ટ્રની સુખ, શાંતિ તેમજ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. યજ્ઞશાળાની દિવ્યતા અને સંતોના સાનિધ્યમાં તેમણે અલૌકિક આધ્યાત્મિક ઊર્જાનો અનુભવ કર્યો હતો.
વધુમાં, વડનગરની મુલાકાત દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ વડનગરના અધિષ્ઠાયક દેવ ગણાતા ભગવાન શ્રી હાટકેશ્વર મહાદેવના પ્રાચીન મંદિરે જઈને શીશ ઝુકાવ્યું હતું અને શાસ્ત્રોક્ત વિધિથી દર્શન-પૂજન કરી ધન્યતા અનુભવી હતી. આ ધાર્મિક કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, વહીવટી અધિકારીઓ અને નગરજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
