અમદાવાદ: શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી એક જાણીતી ઈ-કોમર્સ લોજિસ્ટિક્સ કંપનીના ડિલિવરી બોયે વિશ્વાસઘાત કરી ગ્રાહકોને પહોંચાડવાના ૧૨૦ પાર્સલ લઈને ફરાર થઈ ગયો હોવાની ઘટના સામે આવી છે. આ ચોરી થયેલા પાર્સલોમાં ૧૮ મોબાઈલ ફોન, ૪ ટેબલેટ સહિત કપડાં, પરફ્યુમ, બેગ, કોસ્મેટિક્સ અને ઘડિયાળો જેવી કિંમતી ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે. આ મામલે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
રાજસ્થાનનો યુવક ઓગસ્ટ મહિનામાં નોકરીએ જોડાયો હતો
પોલીસ ફરિયાદ મુજબ, જુહાપુરામાં રહેતા અતીક અહેમદ સૈયદ અહેમદ બેંગ્લોરની ઈન્સ્ટાકાર્ટ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ (Instakart Services Pvt. Ltd.) માં એન્ફોર્સમેન્ટ અધિકારી તરીકે ફરજ બજાવે છે. કંપનીનો સ્ટોર નવરંગપુરાના કોમર્સ સ્ટેડિયમ રોડ પર કામેક્ષ હાઉસમાં આવેલો છે. આ સ્ટોરમાં મૂળ રાજસ્થાનના જાલોર જિલ્લાનો રહેવાસી પોપટલાલ પારસારામ ગત ૧૮ ઓગસ્ટના રોજ ડિલિવરી બોય તરીકે નોકરીમાં જોડાયો હતો.
સવારે ૧૨૦ પાર્સલ લઈને નીકળ્યો અને સાંજે મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધો
ગત ૧૯ ઓક્ટોબરના રોજ સવારે ૧૦ વાગ્યે આરોપી પોપટલાલ પારસારામ ગ્રાહકોને ડિલિવરી કરવા માટે કુલ ૧૨૦ પાર્સલ લઈને સ્ટોર પરથી નીકળ્યો હતો, પરંતુ સાંજ સુધી તે પરત ફર્યો ન હતો. સ્ટાફ દ્વારા તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાતા તેનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ આવ્યો હતો, જેથી કંપની દ્વારા તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત, આરોપી કેશ ઓન ડિલિવરી (COD) ની એકત્ર કરેલી રકમ પણ કંપનીમાં જમા કરાવ્યા વગર ફરાર થઈ ગયો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. નવરંગપુરા પોલીસે ૨૦ નવેમ્બરના રોજ આ અંગે ગુનો દાખલ કરીને ફરાર આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
બોક્સ મેટર: ચોરી થયેલા પાર્સલ અને ઘટનાની મુખ્ય વિગતો
-
કંપની અને સ્થળ: ઈન્સ્ટાકાર્ટ સર્વિસીસ પ્રા. લિ., કામેક્ષ હાઉસ, કોમર્સ સ્ટેડિયમ રોડ, નવરંગપુરા.
-
આરોપીનું નામ: પોપટલાલ પારસારામ (મૂળ રહેવાસી: જાલોર, રાજસ્થાન).
-
ગાયબ થયેલ મુદ્દામાલ: કુલ ૧૨૦ પાર્સલ (જેમાં ૧૮ મોબાઈલ ફોન, ૪ ટેબલેટ અને અન્ય ૯૮ પાર્સલમાં કપડાં, પરફ્યુમ, બેગ, કોસ્મેટિક્સ તથા ઘડિયાળો) અને CODની રોકડ રકમ.
-
પોલીસ કાર્યવાહી: નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ૨૦ નવેમ્બરે ગુનો દાખલ; આરોપીની શોધખોળ શરૂ.
