એકતાનગર / ટુરિઝમ બ્રેકિંગ:
ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી (એકતાનગર) ખાતેથી એક નવો અધ્યાય શરૂ થયો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ GSRTC અને ગુજરાત ટુરિઝમ દ્વારા દેશમાં પ્રથમવાર આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબની અત્યાધુનિક ‘એસી વિસ્ટા ડોમ કોચ’ બસ સેવા શરૂ કરવામાં આવી છે, જેનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરીને બસની સફર માણી હતી.
ટ્રાન્સપરન્ટ રૂફ અને હાઇટેક સુવિધાઓ:
આ બસોમાં પારદર્શક સ્કાય-વ્યૂ રૂફ (ટ્રાન્સપરન્ટ ડોમ) આપવામાં આવ્યું છે, જેથી પ્રવાસીઓ એસી કેબિનમાં બેઠા બેઠા ખુલ્લા આકાશ અને આસપાસના પ્રાકૃતિક દ્રશ્યોનો લુગ્ત ઉઠાવી શકશે. બસમાં ૨૩ રિવોલ્વિંગ અને એડજસ્ટેબલ સીટ્સ, પ્રીમિયમ સ્માર્ટ ટીવી, સીસીટીવી, કોફી-ટી મેકિંગ મશીન, મિની ફ્રિજ અને ચાર્જિંગ પોઇન્ટ જેવી ફાઇવ-સ્ટાર સુવિધાઓ ઉપલબ્ધ છે.
આગામી સમયમાં સમગ્ર રાજ્યમાં સેવા:
રૂ. ૨.૧૯ કરોડની કિંમતની કુલ ૫ બસોમાંથી હાલ ૨ બસો રસ્તા પર ઉતારવામાં આવી છે, જ્યારે બાકીની ૩ બસો આગામી ૨ માસમાં શરૂ થશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે આગામી દિવસોમાં સોમનાથ, દ્વારકા, ગીર, ધોરડો જેવા અન્ય હેરિટેજ રૂટ્સ પર પણ આ બસ સેવા તબક્કાવાર શરૂ કરાશે. પ્રવાસીઓ GSRTCની વેબસાઈટ પરથી ઓનલાઈન ટિકિટ બુક કરાવી શકશે.
