ગાંધીનગર / રાજકીય વિશેષ અહેવાલ:
ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) ચૂંટણીમાં ૪૪માંથી ૩૮ બેઠકો જીતીને ભાજપે સત્તા તો જાળવી રાખી છે, પરંતુ હવે અસલી સંગ્રામ સત્તાના શિખરે બેસનારા મેયર પદના ચહેરા માટે જામ્યો છે. આ વખતે રોસ્ટર મુજબ મેયર પદ OBC કેટેગરી માટે અનામત થતાં જ્ઞાતિગત અને વોર્ડના સમીકરણોનો મોટો ખેલ શરૂ થયો છે.
વોર્ડ નં. ૫નો દબદબો અને પરંપરા:
ગાંધીનગરના ઇતિહાસમાં પ્રથમ મેયર મહેન્દ્રસિંહ રાણાથી લઈને હંસાબેન મોદી, પ્રવીણ પટેલ અને રીટાબેન પટેલ સુધીના ૪-૪ મેયર માત્ર વોર્ડ નં. ૫ માંથી જ બન્યા છે. ૨૦૨૬માં પણ ભાજપે અહીં જીત જાળવી રાખી છે, પરંતુ આ વખતે OBC મેયર પદને કારણે નવા કેન્દ્રો ઉભરી રહ્યા છે.
જ્ઞાતિગત ગણિત અને રેસમાં રહેલા મુખ્ય ચહેરા:
ધર્મેન્દ્ર નાયી (વોર્ડ નં. ૧૦): નાયી/સેન સમાજનો બિન-વિવાદાસ્પદ અને સ્વચ્છ યુવા ચહેરો. મોટી જ્ઞાતિઓના જૂથવાદથી બચવા પાર્ટી નાના OBC વર્ગને માસ્ટરસ્ટ્રોક તરીકે પસંદ કરી શકે છે.
કનૈયાલાલ દેસાઈ (વોર્ડ નં. ૫): ગ્રાઉન્ડ લેવલના સક્રિય કાર્યકર અને મેયર વોર્ડ ગણાતા વોર્ડ-૫ના પરંપરાગત મજબૂત ઉમેદવાર.
મહેશ ચૌધરી (વોર્ડ નં. ૪/૯): પાલજ, કુડાસણ, રંધેજા પટ્ટામાં પ્રભાવશાળી ચૌધરી/આંજણા સમાજનો ચહેરો. ઉત્તર ગુજરાતના સમીકરણો સાધવા માટે મજબૂત દાવેદાર.
ઠાકોર સમાજ: મનપાના ૮થી વધુ વોર્ડ્સમાં સૌથી વધુ જનસંખ્યા ધરાવતી મોટી વોટબેંક. જો પક્ષ સીધું સંખ્યાબળ અને ૨૦૨૭ની ચૂંટણી જુએ તો આ સમાજમાંથી ઉમેદવાર પસંદ થઈ શકે.
૨૦૨૭નું રાજકીય સંતુલન:
રાજકીય વિશ્લેષકોના મતે, ભાજપ ‘એક વોર્ડ – એક હોદ્દો’ની નીતિ સાથે મેયર (OBC), ડેપ્યુટી મેયર (શહેરી/મહિલા/જનરલ) અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની પસંદગીમાં પ્રદેશ મોવડીમંડળ દ્વારા સરપ્રાઈઝ ડિસિઝન લેવાઈ શકે છે.
