સુઈગામ / કરુણ ક્રાઈમ બ્રેકિંગ:
વાવ-થરાદ જિલ્લાના સુઈગામના રાવળવાસમાંથી હૃદય કંપાવી દે તેવી અને પિતૃત્વને લાંછન લગાડતી ભયાનક ઘટના સામે આવી છે. અહીં એક પિતાએ પોતાના જ અઢી વર્ષના માસૂમ પુત્રને ‘બોજારૂપ’ સમજીને તેના પર પેટ્રોલ છાંટી જીવતો સળગાવી દીધો હોવાની સનસનાટીપૂર્ણ ઘટના બનવા પામી છે.
ક્રૂરતાનું કારણ: આરોપી અશોક જીતાભાઈ રાવળની પત્ની રિસામણે હોવાથી તે પોતાના અઢી વર્ષના પુત્ર નવઘણ સાથે એકલો રહેતો હતો. પત્નીની ગેરહાજરીમાં બાળકની સારસંભાળ અને ઉછેર કરવો પોતાના માટે બોજારૂપ લાગતાં તેણે આ કરૂણ કૃત્ય આચર્યું હતું.
પેટ્રોલ છાંટી સળગાવ્યો: ૧૩ ઓક્ટોબરે બપોરના અરસામાં અશોકે પોતાના જ લોહી સમાન માસૂમ નવઘણ પર પેટ્રોલ છાંટીને તેને સળગાવી દીધો હતો. બાળકની ગંભીર હાલત થતાં સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજ્યું હતું.
પુરાવા નાશ કરવાનો પ્રયાસ: પાપ પર પડદો પાડવા અને મોતનું કારણ છુપાવવા માટે બાળકની લાશને સ્મશાનમાં જમીનમાં દાટી દેવામાં આવી હતી. જોકે, કાકા બાબુભાઈ રાવળને સત્યની જાણ થતાં તેમણે સુઈગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ કાર્યવાહી: પોલીસે સ્મશાનમાંથી મૃતદેહ બહાર કાઢીને કબ્જે કર્યો છે અને આરોપી પિતા અશોક રાવળ વિરુદ્ધ BNS ની કલમ ૧૦૩(૧) (હત્યા) અને કલમ ૨૩૮ (પુરાવાનો નાશ કરવો) હેઠળ ગુનો દાખલ કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
