બોટાદ/સાળંગપુર: વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના પવિત્ર અને આધ્યાત્મિક વારસાના સંરક્ષણ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા એક અત્યંત ઐતિહાસિક અને મોટું પગલું ભરવામાં આવ્યું છે. સાળંગપુર હનુમાનજી દાદાના વિવિધ દિવ્ય સ્વરૂપો, ચિત્રો અને આધ્યાત્મિક અભિવ્યક્તિઓને હવે સત્તાવાર રીતે આધુનિક કાનૂની માળખા હેઠળ કૉપીરાઇટ (Copyright) અને ટ્રેડમાર્ક (Trademark) ની સુરક્ષા મળી ગઈ છે. દેશભરમાં કોઈ ધાર્મિક સંસ્થાન દ્વારા આ પ્રકારની પહેલ કરવામાં આવી હોય તેવી આ પ્રથમ ઘટના છે.
હવે વ્યાવસાયિક ઉપયોગ માટે ટ્રસ્ટની મંજૂરી ફરજિયાત
આ કાનૂની સુરક્ષા મળ્યા બાદ હવે દેશ કે દુનિયાની કોઈ પણ વ્યક્તિ, વેપારી કે સંસ્થા કષ્ટભંજન દેવના નામ, તેમના વિશિષ્ટ ચિત્રો, મૂર્તિના સ્વરૂપો અથવા મંદિરના આધ્યાત્મિક વારસાનો ઉપયોગ પોતાની આર્થિક કમાણી કે વ્યાવસાયિક (Commercial) હેતુઓ માટે ટ્રસ્ટની લેખિત મંજૂરી વગર કરી શકશે નહીં. જો કોઈ આવું કરશે તો તેમની સામે બૌદ્ધિક સંપત્તિના કાયદા (Intellectual Property Rights) હેઠળ કડક કાનૂની કાર્યવાહી થઈ શકે છે.
સાંસ્કૃતિક ધરોહર બચાવવાનો અનોખો પ્રયાસ
મંદિર ટ્રસ્ટ દ્વારા લાંબા સમયથી ચાલી રહેલા પ્રયાસોના પરિણામે હનુમાનજીના નામ અને સ્વરૂપોની સત્તાવાર નોંધણી (Registration) પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. ભારતીય આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ધરોહરનો સદુપયોગ થાય અને દાદાના પવિત્ર નામનો કોઈ ખોટો કે બિનઅધિકૃત વ્યાપારી લાભ ન ઉઠાવી શકે તે માટે આ નિર્ણય લેવાયો છે.
ધાર્મિક વારસાને કાયદાકીય કવચ પૂરું પાડવાના આ અભૂતપૂર્વ નિર્ણયને પગલે કષ્ટભંજન દેવના લાખો ભક્તો અને સનાતન ધર્મના અનુયાયીઓમાં ભારે ખુશીની લહેર જોવા મળી રહી છે.