અમદાવાદ: સામાન્ય રીતે સરકારી કે અર્ધ-સરકારી નોકરી મેળવવા માટે યુવાનો રાત-દિવસ એક કરતા હોય છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) માં એક અત્યંત અનોખો કિસ્સા સામે આવ્યો છે. કોર્પોરેશનના વહીવટી અને મહેસૂલ વિભાગમાં ફરજ બજાવતા વર્ગ-૩ (Class-3) ના ૨૦ જેટલા કર્મચારીઓએ એકસાથે સામુહિક રાજીનામા ધરી દેતા સમગ્ર મ્યુનિસિપલ કચેરીમાં ભારે ચર્ચા જાગી છે.
સરકારી ભરતીમાં પાસ થતાં લીધો નિર્ણય
આ સામુહિક રાજીનામા પાછળ તંત્રનો કોઈ ત્રાસ કે આંતરિક વિવાદ નથી, પરંતુ કર્મચારીઓની ઉજ્જવળ કારકિર્દી જવાબદાર છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) અને રાજ્ય સરકારના અન્ય બોર્ડ દ્વારા લેવાયેલી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં AMC ના આ કર્મચારીઓ પાસ થઈ ગયા છે. કોર્પોરેશનની નોકરી કરતા રાજ્ય સરકારના સચિવાલય કે અન્ય સરકારી વિભાગોમાં વધુ સારો પે-સ્કેલ, પ્રમોશનની ઉત્તમ તકો અને કાયમી સિક્યોરિટી મળતી હોવાથી જુનિયર ક્લાર્ક અને સહાયક ટેકનિકલ સુપરવાઈઝર કેડરના આ ૨૦ કર્મચારીઓએ નોકરી છોડવાનો નિર્ણય કર્યો છે.
બે સિનિયર અધિકારીઓના VRS પણ મંજૂર
આ ૨૦ કર્મચારીઓની સાથે-સાથે કોર્પોરેશનમાં લાંબા સમયથી સેવા આપતા અન્ય બે સિનિયર અધિકારીઓએ પણ વયમર્યાદા તેમજ અંગત કારણોસર સ્વૈચ્છિક નિવૃત્તિ (VRS) ની માંગ કરી હતી, જેને તંત્ર દ્વારા સત્તાવાર રીતે મંજૂર કરવામાં આવી છે.
વહીવટી કામગીરી પર પડી શકે છે અસર
ચોમાસાની ઋતુ નજીક છે ત્યારે જ સુપરવાઈઝર અને ક્લાર્ક કક્ષાની એકસાથે ૨૦થી વધુ જગ્યાઓ ખાલી પડતાં કોર્પોરેશનના રોજિંદા વહીવટી કામો પર આંશિક અસર પડવાની સંભાવના સેવાઈ રહી છે. હવે આગામી દિવસોમાં આ ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન વેટિંગ લિસ્ટ (Waiting List) ના ઉમેદવારોને બોલાવશે કે પછી નવી સીધી ભરતી પ્રક્રિયા હાથ ધરશે તેના પર સૌની નજર રહેશે.