ફરહાન અખ્તરની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ડોન 3’ (Don 3) અચાનક છોડી દેવાને કારણે એક્ટર રણવીર સિંહ (Ranveer Singh) મુશ્કેલીમાં મુકાયો છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી મોટી સંસ્થા FWICE (ફિલ્મ ફેડરેશન ઓફ વેસ્ટર્ન સિને એમ્પ્લોયીઝ) એ રણવીર સિંહ સામે ‘નોન-કોઓપરેશન’ (અસહકાર) નો આદેશ જાહેર કર્યો છે. આ વિવાદ વકરતા જ હવે બોલિવૂડના દિગ્ગજ કલાકારો રણવીરના સમર્થનમાં ઉતરી આવ્યા છે.
શું છે આખો ‘ડોન 3’ વિવાદ?
ફરહાન અખ્તરે ૨૦૨૩માં રણવીર સિંહ સાથે ‘ડોન 3’ ની સત્તાવાર જાહેરાત કરી હતી. પરંતુ, રિપોર્ટ્સ અનુસાર રણવીર સિંહ સ્ક્રિપ્ટમાં હસ્તક્ષેપ કરી રહ્યો હતો અને ગાળાગાળી તેમજ હિંસક દ્રશ્યો ઉમેરવાની માંગ કરી રહ્યો હતો, જેના પર મેકર્સ રાજી ન થયા. આખરે રણવીરે ફિલ્મ છોડી દીધી.
ફિલ્મ મોડી પડવાના કારણે પ્રી-પ્રોડક્શનમાં થયેલા ભારે આર્થિક નુકસાન બદલ ફરહાન અખ્તરે પ્રોડ્યુસર્સ ગિલ્ડમાં ૪૫ કરોડ રૂપિયાના વળતરની માંગ કરી છે. FWICE દ્વારા રણવીરને ૩ નોટિસ મોકલવામાં આવી હતી, પરંતુ રણવીરે આ કાનૂની બાબત હોવાનું કહી કોર્ટ દ્વારા ઉકેલવાની વાત કરતા ફેડરેશને આ કડક પગલું ભર્યું છે.
મેં પણ આ ભોગવ્યું છે: ચંકી પાંડે
રણવીર સિંહના સમર્થનમાં આવતા સિનિયર એક્ટર ચંકી પાંડેએ ૧૯૮૭નો પોતાનો એક કિસ્સો યાદ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, “૧૯૮૭માં ઇન્ડસ્ટ્રીની હડતાળ વખતે ઊટીમાં ફિલ્મ ‘આગ હી આગ’ નું શૂટિંગ કરવા બદલ ફેડરેશને મારા પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારે ધર્મેન્દ્ર અને શત્રુઘ્ન સિંહા મોટા સ્ટાર હોવાથી તેમને બૅન કરવા મુશ્કેલ હતા, પણ મારા જેવા નવા કલાકારોએ એક અઠવાડિયું પ્રતિબંધ ભોગવવો પડ્યો હતો અને માફી માંગ્યા બાદ જ કામ શરૂ થઈ શક્યું હતું. આપણી ઇન્ડસ્ટ્રી ખૂબ જ નાજુક છે.”
મનોજ બાજપેયી અને સંજય ગુપ્તાએ આપી પ્રતિક્રિયા
-
મનોજ બાજપેયી: પોતાની ફિલ્મ ‘ગવર્નર’ ના પ્રમોશન દરમિયાન મનોજે કહ્યું કે, “એક સહકર્મી અને બિરાદરીના સભ્ય હોવાના નાતે અમે બસ એટલી જ આશા રાખીએ કે આ મામલો જલ્દી ઉકેલાઈ જાય.”
-
સંજય ગુપ્તા: ફિલ્મમેકર સંજય ગુપ્તાએ ફેડરેશનની ટીકા કરતા સોશિયલ મીડિયા પર લખ્યું કે, “કોઈ એ-લિસ્ટર સ્ટાર પર પ્રતિબંધ મૂકવાથી તેનું નુકસાન નથી થતું, પરંતુ સેટ પર કામ કરતા ૩૦૦થી વધુ ગરીબ મજૂરોની રોજીરોટી છીનવાઈ જાય છે.”
પ્રતિબંધ નથી, ‘નોન-કોઓપરેશન’ છે: અશોક પંડિતની સ્પષ્ટતા
વિવાદ વધતા FWICE ના ચીફ એડવાઈઝર અશોક પંડિતે સ્પષ્ટતા કરી છે કે, “આ કોઈ કાનૂની પ્રતિબંધ (Ban) નથી, કારણ કે અમે કોઈ કોર્ટ નથી. આ ‘નોન-કોઓપરેશન’ નો મુદ્દો છે, જેનો અર્થ એ છે કે ફેડરેશનના ૩૪ એસોસિએશનના ૪ થી ૫ લાખ સભ્યો (ટેકનિશિયન્સ, સ્પોટબોય, જુનિયર આર્ટિસ્ટ) જ્યાં સુધી મામલો ન ઉકેલાય ત્યાં સુધી રણવીર સાથે કામ નહીં કરે.”
બીજી તરફ, રણવીર સિંહના પ્રવક્તાએ જણાવ્યું છે કે એક્ટરે આ વિવાદ પર સમજી-વિચારીને મૌન ધારણ કર્યું છે અને તેનું પૂરું ધ્યાન આગામી પ્રોજેક્ટ્સ પર જ કેન્દ્રિત છે.