ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટી (SP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવનું સત્તાવાર ફેસબુક પેજ અચાનક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હોવાના સમાચાર સામે આવ્યા છે. સોશિયલ મીડિયા પર અત્યંત સક્રિય રહેતા અખિલેશ યાદવના આ ફેસબુક પેજ પર અંદાજે 90 લાખ જેટલા ફોલોઅર્સ જોડાયેલા હતા. આટલી મોટી સંખ્યામાં સમર્થકો ધરાવતું પેજ એકાએક સસ્પેન્ડ થતા પાર્ટીના કાર્યકરો અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.
હાલમાં મેટા (Meta) કે પાર્ટી તરફથી આ અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી કે આ સસ્પેન્શન કોઈ ટેકનિકલ ખામીને કારણે થયું છે કે પછી અન્ય કોઈ નીતિગત કારણોસર આ પગલું ભરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ઓક્ટોબર 2025માં પણ અખિલેશ યાદવનું ફેસબુક પેજ થોડા સમય માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું, જોકે તે સમયે થોડી જ વારમાં ટેકનિકલ પ્રક્રિયા બાદ પેજને ફરીથી પુનઃસ્થાપિત (રિસ્ટોર) કરી દેવામાં આવ્યું હતું. હાલ સમર્થકો પેજ ફરી શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે.
