લાંબા સમયથી ચાલી રહેલા રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં ફરી એકવાર અત્યંત આક્રમક અને ચોંકાવનારો વળાંક આવ્યો છે. યુક્રેનના દક્ષિણ-પૂર્વીય વિસ્તાર એવા ઝાપોરિઝિઝયા (Zaporizhzhia) પ્રાંતમાં રશિયન સેનાએ છેલ્લા 24 કલાકમાં ભીષણ આક્રમણ કરતા 47 જેટલા નગરો અને રહેણાંક વસાહતોને નિશાન બનાવીને કુલ 843 હુમલા કર્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે. રશિયાના આ સતત બોમ્બમારા અને હુમલાઓમાં એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
બીજી તરફ, યુદ્ધની જ્વાળાઓ હવે યુક્રેનની સરહદો વટાવીને દૂરના દરિયાઈ વિસ્તારો સુધી પહોંચી હોય તેવા સંકેતો મળી રહ્યા છે. પૂર્વી લિબિયાના બેનગાઝી (Benghazi) દરિયાકાંઠા નજીક રશિયન નૌકાદળના યુદ્ધજહાજ ‘મર્ક્યુરી’ (Mercury) પર શંકાસ્પદ યુક્રેનિયન દરિયાઈ ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાને કારણે રશિયન યુદ્ધજહાજને ભારે નુકસાન પહોંચ્યું હતું અને જહાજમાં આગ ભભૂકી ઉઠી હતી. જોકે, આ દરિયાઈ ડ્રોન હુમલામાં યુક્રેનની સીધી સંડોવણી અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી, પરંતુ આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ચકચાર જગાવી છે.
