સુરત શહેરના સૌથી લોકપ્રિય પર્યટન સ્થળ એવા ડુમસ સી-ફેસ (Dumas Sea-Face)ની મુલાકાત લેતા સહેલાણીઓ અને સુરતીલાલાઓના ખિસ્સા પર હવે ભાર વધવાનો છે. સુરત મહાનગરપાલિકા (SMC) ની સ્થાયી સમિતિ દ્વારા ડુમસ સી-ફેસ પર પ્રવેશ ફી (Entry Fee) અને વાહન પાર્કિંગ ચાર્જ વસૂલવાની નવી પોલિસીને સત્તાવાર રીતે મંજૂરી આપી દેવામાં આવી છે. આ નિર્ણય બાદ હવે ડુમસ દરિયાકિનારે હરવા-ફરવા જતા મુલાકાતીઓએ નિર્ધારિત દર મુજબ ચાર્જ ચૂકવવો પડશે.
મહાનગરપાલિકા દ્વારા નક્કી કરવામાં આવેલા પ્રવેશ ફીના માળખા મુજબ, 3 વર્ષ સુધીનાં નાનાં બાળકોને વિનામૂલ્યે એટલે કે મફત પ્રવેશ આપવામાં આવશે. જ્યારે 3થી 12 વર્ષ સુધીનાં બાળકો માટે ₹10 પ્રવેશ ફી નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત, પુખ્ત વયના મુલાકાતીઓ માટે ₹20 અને 65 વર્ષથી વધુ ઉંમરના સિનિયર સિટીઝન્સ માટે ₹10 પ્રવેશ ફી રાખવામાં આવી છે.
પ્રવેશ ફીની સાથે-સાથે વાહનોના પાર્કિંગ માટે પણ અલગ-અલગ દર નિર્ધારિત કરવામાં આવ્યા છે. જે અંતર્ગત ટુ-વ્હીલર પાર્કિંગ માટે ₹10, થ્રી-વ્હીલર માટે ₹25, ફોર-વ્હીલર એટલે કે કાર માટે ₹30 અને બસ જેવા ભારે વાહનોના પાર્કિંગ માટે ₹90 ચાર્જ વસૂલવામાં આવશે. જોકે, પર્યાવરણને પ્રોત્સાહન આપવાના હેતુથી તંત્ર દ્વારા એક રાહતરૂપ નિર્ણય પણ લેવાયો છે, જે મુજબ તમામ પ્રકારના ઇલેક્ટ્રિક વાહનો (EV) નું પાર્કિંગ સંપૂર્ણપણે મફત રાખવામાં આવ્યું છે.
