દાહોદ જિલ્લાના ગરબાડા ખાતે આવેલા ઐતિહાસિક રામનાથ તળાવના નવીનીકરણ અને સૌંદર્યીકરણની કામગીરીનો અત્યંત ઝડપી ગતિએ પ્રારંભ થઈ ગયો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાની દાહોદ જિલ્લાની ત્રિદિવસીય મુલાકાતના અંતિમ દિવસે ગરબાડાના આ ઐતિહાસિક તળાવની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. તળાવની વર્તમાન સ્થિતિનું નિરીક્ષણ કર્યા બાદ મુખ્યમંત્રીએ તેના સર્વાંગી વિકાસ, સ્વચ્છતા અને સૌંદર્યીકરણ માટે વહીવટી તંત્રના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી, જેના પર તંત્રએ ત્વરિત એક્શન લેતા માત્ર 8 કલાકના ટૂંકા ગાળામાં જ સફાઈ અભિયાન શરૂ કરી દીધું છે.
આ સફાઈ કામગીરી માટે ખાસ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) ના આધુનિક ‘એક્વાટિક વીડ હાર્વેસ્ટર મશીન’ની મદદ લેવામાં આવી છે. પ્રથમ તબક્કાની કામગીરી અંતર્ગત તળાવના પાણીમાં અને ફરતે જામી ગયેલી બિનજરૂરી જળચર વનસ્પતિ (વેલ) તેમજ કચરાને દૂર કરવાની સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રીની સીધી સૂચના બાદ તંત્રની આ ત્વરિત કામગીરીને સ્થાનિક ગ્રામજનોએ આવકારી છે.
વધુમાં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને સ્પષ્ટ માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે રામનાથ તળાવના વિકાસ અને સૌંદર્યીકરણના પ્રોજેક્ટમાં પર્યાવરણની જાળવણીને પ્રાથમિકતા આપવામાં આવે. તેની સાથોસાથ સ્થાનિક નાગરિકોને હરવા-ફરવા અને બેસવા માટે વધુ સારી જાહેર સુવિધાઓ મળી રહે તેવું સુવ્યવસ્થિત અને દીર્ઘકાલીન આયોજન કરવા પણ સૂચના આપવામાં આવી છે, જેનાથી આગામી સમયમાં આ ઐતિહાસિક તળાવ એક આકર્ષક પર્યટન અને વિશ્રામ સ્થળ તરીકે વિકસિત થશે.
