બોલિવૂડ અભિનેતા રણબીર કપૂરની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘રામાયણ’ હવે મોટા વિવાદોના વમળમાં ફસાઈ ગઈ છે. વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા આ ફિલ્મની વાર્તા અને પાત્રોના નિરૂપણ સામે સખત વાંધો ઉઠાવીને ફિલ્મ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે. VHPના આ આકરા વલણને કારણે ફિલ્મ નિર્માતાઓની મુશ્કેલીઓમાં વધારો થવાના સંકેતો મળી રહ્યા છે.
આ સમગ્ર વિવાદ અંગે વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ આલોક કુમારે ફિલ્મના નિર્માતાઓ પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, ફિલ્મમાં રાવણનું મહિમામંડન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે હિન્દુ ધર્મગ્રંથો અને જનભાવનાની વિરુદ્ધ છે. બીજી તરફ, VHPના મહાસચિવ બજરંગ લાલ બાગડાએ પણ ફિલ્મની કથા સામે નારાજગી વ્યક્ત કરતા દાવો કર્યો છે કે, આ ફિલ્મ મહર્ષિ વાલ્મીકિ રચિત મૂળ રામાયણ થી સંપૂર્ણપણે ભટકી ગઈ છે. તેમના મતે ફિલ્મમાં મનઘડંત ઘટનાઓ ઉમેરવામાં આવી છે અને રામાયણના અનેક મહત્વનાં પાત્રોને હટાવી દઈને મૂળ વાર્તા સાથે છેડછાડ કરવામાં આવી છે.
