જો તમે આગામી કેટલાક મહિનામાં નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા ખિસ્સા પર મોટી અસર કરી શકે છે. જાણીતી માર્કેટ રિસર્ચ ફર્મ ‘કાઉન્ટરપોઈન્ટ રિસર્ચ’ (Counterpoint Research)ના એક તાજેતરના અહેવાલ મુજબ, આ વર્ષના અંત સુધીમાં પ્રીમિયમ સ્માર્ટફોનની કિંમતોમાં 30 ટકાથી પણ વધુનો તોતિંગ વધારો થવાની પ્રબળ શક્યતા છે. ટેકનોલોજી માર્કેટમાં આવનારા આ મોટા ફેરફારને કારણે ગ્રાહકોને નવો ફોન ખરીદવા માટે ઘણા વધુ નાણાં ચૂકવવા પડી શકે છે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ ભાવવધારા પાછળનું મુખ્ય કારણ સ્માર્ટફોનમાં વપરાતી મેમરી ચિપ DRAM અને NAND ની વૈશ્વિક માંગમાં થયેલો ઉછાળો અને તેની વધતી જતી કિંમતો છે. કમ્પોનન્ટ્સ મોંઘા થવાને કારણે Apple, Samsung, Oppo અને Xiaomi જેવી અગ્રણી સ્માર્ટફોન બ્રાન્ડ્સના હેન્ડસેટની કિંમતોમાં મોટો વધારો જોવા મળશે. નિષ્ણાતોના અંદાજ મુજબ, હાલમાં જે પ્રીમિયમ સ્માર્ટફોન ₹50,000 થી ₹70,000 ની આસપાસ મળી રહ્યા છે, તેની કિંમત વધીને ₹1 લાખની સપાટીને પણ પાર જઈ શકે છે.
