સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પંથકમાં ચાલતા ગેરકાયદેસર ખનન સામે પોલીસે લાલ આંખ કરીને એક મોટી કાર્યવાહી હાથ ધરી છે. થાનગઢ પોલીસની ટીમે ચોક્કસ બાતમીના આધારે જામવાળી ગામની સીમમાં ગેરકાયદેસર રીતે કાર્બોસેલ કોલસાનું ખનન કરતા કૂવાઓ પર ઓચિંતો દરોડો પાડ્યો હતો. પોલીસની આ અચાનક રેડને પગલે ખનિજ ચોરી કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.
રાજકોટ રેન્જના DIG નીલિપ્ત રાય અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા (SP) પ્રેમસુખ ડેલુની કડક સૂચના તેમજ ચોટીલા ડિવિઝનના DySP એસ.એસ. ભદોરિયાના સીધા માર્ગદર્શન હેઠળ થાનગઢ પોલીસે આ સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતું. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી અંદાજે 350 મેટ્રિક ટન ગેરકાયદેસર કાર્બોસેલ કોલસો ઝડપી પાડ્યો હતો. આ ઉપરાંત, ખનન અને વહન માટે ઉપયોગમાં લેવાતા 2 ટ્રેક્ટર, 1 ડમ્પર તેમજ 13 નંગ લોખંડના પાઇપ સહિત કુલ ₹48.75 લાખની કિંમતનો જંગી મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસ દ્વારા સ્થળ પરથી જપ્ત કરવામાં આવેલા કોલસા અને વાહનો સહિતના તમામ મુદ્દામાલ અંગે આગળની કાયદેસરની કાર્યવાહી અને દંડનીય પ્રક્રિયા હાથ ધરવા માટે ખાણ-ખનિજ વિભાગને સત્તાવાર જાણ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર પોલીસની આ કડક કાર્યવાહીથી ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ભૂમાફિયાઓમાં સોપો પડી ગયો છે.
