‘આજે જે નિવેદન કરી રહ્યા છે એ લોકોએ તે સમયે ચાલતી પકડી હતી’: PAAS નેતા દિલીપ સાબવાએ દિનેશ બાંભણિયા પર તાક્યું નિશાન
પાટીદાર અનામત આંદોલન અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની માફી માગવાના મુદ્દે પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયાના નિવેદન બાદ ગુજરાતના રાજકારણમાં આંતરિક વિખવાદ અને નિવેદનબાજી તેજ બની છે. આ સમગ્ર વિવાદમાં હવે પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS) ના નેતા દિલીપ સાબવાએ પણ ઝંપલાવ્યું છે અને દિનેશ બાંભણિયા પર સીધું નિશાન તાકીને આકરા પ્રહારો કર્યા છે.
દિલીપ સાબવાએ દિનેશ બાંભણિયા પર શું પ્રહાર કર્યા?
મીડિયા સાથેની વાતચીતમાં PAAS નેતા દિલીપ સાબવાએ ભૂતકાળની ઘટનાઓને યાદ કરતાં માફી માગનારા નેતાઓની ભૂમિકા સામે સવાલો ઉઠાવ્યા હતા:
-
આંદોલન સમયે ચાલતી પકડી હોવાનો આક્ષેપ: દિલીપ સાબવાએ દિનેશ બાંભણિયાનું નામ લીધા વિના નિશાન તાકતાં કહ્યું કે, “આજે જે લોકો જાહેર મંચ પરથી માફી માગવાના અને દુઃખ વ્યક્ત કરવાના નિવેદનો કરી રહ્યા છે, એ જ લોકોએ તે સમયે આંદોલનમાંથી ચાલતી પકડી હતી.”
-
આનંદીબેનની આંખોમાં આંસુ હોવાનો ઉલ્લેખ: તત્કાલીન પરિસ્થિતિને યાદ કરતાં તેમણે વધુમાં જણાવ્યું કે, “તે સમયે જ્યારે આનંદીબેન પટેલને મુખ્યમંત્રી પદ છોડવું પડ્યું હતું, ત્યારે તેમની આંખોમાં આંસુ હતા. તે કપરા સમયે આજના નિવેદનબાજી કરનારા નેતાઓ ક્યાં હતા?”
પાટીદાર સમાજના અગ્રણીઓ દ્વારા પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના રાજીનામા અને આંદોલનના ઘટનાક્રમ અંગે સામસામા આક્ષેપો થઈ રહ્યા છે, ત્યારે દિલીપ સાબવાના આ નિવેદને પાટીદાર રાજકારણમાં વધુ ગરમાવો લાવી દીધો છે.
