વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો ધરાવતા અમદાવાદ શહેરમાં આજથી ‘હેરિટેજ વીક’ની ભવ્ય ઉજવણીનો પ્રારંભ થયો છે. આ ઉજવણીના ભાગરૂપે શહેરના ઐતિહાસિક ભદ્ર પરિસરને રંગબેરંગી રોશની અને આકર્ષક શણગારથી ઝળહળતું કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં ભદ્ર પરિસર ઉપરાંત ઇસનપુર અને અસારવા સહિત શહેરના અન્ય વિવિધ વિસ્તારોમાં પણ સાંસ્કૃતિક કાર્યક્રમો, હેરિટેજ વોક, લોકસંગીત અને કલા પ્રદર્શનોનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે, આ ભવ્ય આયોજન વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની કાર્યપદ્ધતિ સામે શહેરીજનો અને હેરિટેજ પ્રેમીઓમાં નવી ચર્ચા જાગી છે.
એક તરફ AMC દ્વારા હેરિટેજ વીકના ઉત્સવો, લાઇટિંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવાની તૈયારીઓ કરવામાં આવી છે, ત્યારે બીજી તરફ શહેરની જર્જરિત થઈ રહેલી ઐતિહાસિક ઇમારતો, પોળો, દરવાજાઓ અને વાવ જેવા અમૂલ્ય વારસાની કાયમી જાળવણી અને સંરક્ષણને લઈને તંત્રની ઉદાસીનતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. શહેરીજનોમાં એવો સવાલ ઉઠી રહ્યો છે કે શું શહેરની ઐતિહાસિક વિરાસતને માત્ર ગણતરીના દિવસોની ઉજવણી અને રોશની પૂરતી જ સીમિત રાખવામાં આવશે, કે પછી તેના કાયમી જતન, યોગ્ય સમારકામ અને સંરક્ષણ પાછળ પણ કોર્પોરેશન એટલી જ ગંભીરતા દાખવશે?
પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાનો ઉપયોગ માત્ર હંગામી ઉત્સવો અને ઇવેન્ટ્સ પાછળ કરવાને બદલે ઐતિહાસિક વારસાના લાંબા ગાળાના સંરક્ષણ અને જાળવણીમાં વધુ થાય તેવી પ્રબળ માંગ ઉઠી છે. આ સમગ્ર મામલે અને હેરિટેજ વીકના આયોજન અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે પોતાની પ્રતિક્રિયા આપતા તંત્રનો પક્ષ રજૂ કર્યો હતો.
