રાજ્યની શાળાઓમાં કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવાની માંગ સાથે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ચાલી રહેલા ખેલ સહાયકો અને વ્યાયામ શિક્ષક ઉમેદવારોના આંદોલનનો આજે ત્રીજો દિવસ છે. છેલ્લા ૧૫ થી ૧૬ વર્ષથી રાજ્યમાં કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી ન થઈ હોવાના આક્ષેપ સાથે મોટી સંખ્યામાં ઉમેદવારો ફરી એકવાર મેદાનમાં ઉતર્યા છે.
આંદોલનકારી ઉમેદવારોએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ જ માંગ સાથે અગાઉ ૧૯ મહિના પહેલાં પણ ૩૨ દિવસ સુધી આંદોલન કરવામાં આવ્યું હતું. તે સમયે સરકાર દ્વારા ભરતી અંગે બાંહેધરી આપવામાં આવી હતી, પરંતુ આજદિન સુધી ભરતીનું સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું નથી. ઉમેદવારોનો દાવો છે કે આ ભરતી માટે બજેટમાં જોગવાઈ અને સરકારી ઠરાવ (GR) થઈ ગયા હોવા છતાં ભરતી પ્રક્રિયા અટકાવી રાખવામાં આવી છે.
