ગુજરાતની શાન ગણાતા એશિયાટિક સિંહો માટે ગીરના જંગલ બાદ હવે પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફેલાયેલું બરડાનું જંગલ એક નવું અને સુરક્ષિત ‘ઘર’ બનીને ઉભરી આવ્યું છે. વન વિભાગના સફળ પ્રયાસો અને અનુકૂળ વાતાવરણને કારણે બરડા અભયારણ્યમાં સિંહોની વસ્તી અને હલચલ વધતા પ્રકૃતિપ્રેમીઓ તેમજ પ્રવાસીઓ માટે આ વિસ્તાર આકર્ષણનું નવું કેન્દ્ર બન્યો છે. સિંહોના આગમનથી માત્ર વન્યજીવ સંરક્ષણને જ બળ નથી મળ્યું, પરંતુ આસપાસના ગ્રામીણ વિસ્તારોના અર્થતંત્રમાં પણ નવો પ્રાણ ફૂંકાયો છે.
આ પ્રવાસન પ્રવૃત્તિઓ વધવાની સાથે જ સ્થાનિક યુવાનો માટે રોજગારીની વિપુલ તકોનું નિર્માણ થયું છે. ખાસ કરીને બરડા પંથકમાં વસતા માલધારી સમાજની અનોખી પરંપરા, સમૃદ્ધ સંસ્કૃતિ અને સાદગીભરી જીવનશૈલીને પ્રવાસન સાથે જોડતા ‘પરંપરાગત હોમસ્ટે’ અત્યારે ગ્રામ્ય વિકાસનું એક સફળ અને નવું માધ્યમ બની રહ્યા છે. દેશ-વિદેશથી આવતા સહેલાણીઓ હવે આધુનિક હોટેલોને બદલે માલધારીઓના નેસડા અને પરંપરાગત ઘરોમાં રોકાઈને ગ્રામીણ જીવન, સ્થાનિક ખાનપાન અને લોકસંસ્કૃતિનો પ્રત્યક્ષ અનુભવ લેવાનું પસંદ કરી રહ્યા છે.
પરંપરાગત હોમસ્ટે અને ઇકો-ટુરિઝમના આ મોડેલથી સ્થાનિક યુવાનોને ગાઇડ, વાહન ચાલક, હોસ્પિટાલિટી અને હસ્તકલા જેવા વિવિધ ક્ષેત્રોમાં ઘરઆંગણે જ કાયમી રોજગારી મળી રહી છે. પરિણામે ગ્રામીણ વિસ્તારોમાંથી શહેરો તરફ થતું યુવાનોનું સ્થળાંતર અટક્યું છે અને માલધારી પરિવારો આર્થિક રીતે વધુ સદ્ધર બની રહ્યા છે.
