વડોદરા:
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સમલાયા ગામ નજીક આવેલી એક ખાનગી કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી સર્જાઈ હતી. પ્લાસ્ટિકની શીટ બનાવતી આ ફેક્ટરીમાં લાગેલી આગ જોતજોતામાં વિકરાળ બની ગઈ હતી, જેના પગલે કંપની પરિસરમાં રહેલો મોટા પ્રમાણમાં માલસામાન અને કાચો માલ બળીને ખાખ થઈ ગયો હતો.
દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાયા
પ્લાસ્ટિકનો જથ્થો હોવાને કારણે આગે પળવારમાં મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા આકાશમાં કિલોમીટરો દૂરથી દેખાતા આસપાસના ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. આગની તીવ્રતા જોઈ સ્થાનિક રહીશો અને કંપનીના અન્ય કામદારોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યાં હતાં.
ફાયર બ્રિગેડ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી
ઘટનાની જાણ તાત્કાલિક ફાયર બ્રિગેડને કરવામાં આવતાં ફાયર ફાઈટરોનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર ટીમે તાબડતોબ પાણીનો મારો ચલાવી આગને વધુ ફેલાતી રોકવા અને તેના પર કાબૂ મેળવવાના સઘન પ્રયાસો હાથ ધર્યા છે.
આગ લાગવાનું કારણ હજુ અકબંધ
આ ભીષણ આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની પ્રાથમિક આશંકા સેવાઈ રહી છે, જોકે આગ સંપૂર્ણપણે કાબૂમાં આવ્યા બાદ જ નુકસાનીનો સાચો આંકડો અને ચોક્કસ કારણ સામે આવી શકશે. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તે અંગે પણ તપાસ ચાલી રહી છે.
