અમદાવાદ: શહેરમાં બેફામ અને નશાની હાલતમાં વાહન ચલાવી નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. અમદાવાદના ગુરુકુળ વિસ્તારથી દૂરદર્શન મેટ્રો સ્ટેશન વચ્ચે એક કારચાલકે એક્ટિવાને જોરદાર અડફેટે લીધી હોવાનો અને ત્યારબાદ એક્ટિવાને રસ્તા પર ઢસડતા લઈ જતો હોવાનો ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
ગુરુકુળથી દૂરદર્શન સુધી એક્ટિવાને ઢસડી પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, ગુરુકુળ રોડ પર કારચાલકે આગળ જઈ રહેલા એક્ટિવાને ટક્કર મારી હતી. અકસ્માત સર્જાયા બાદ કાર રોકવાને બદલે ચાલકે ગાડી દોડાવી મૂકી હતી અને એક્ટિવા કારની નીચે ફસાયેલું હોવા છતાં તેને દૂરદર્શન મેટ્રો સ્ટેશન સુધી ઘસડતો લઈ ગયો હતો. રસ્તા પરથી પસાર થતા અન્ય વાહનચાલકોએ આ ભયાનક દ્રશ્ય કેમેરામાં કેદ કરી લીધું હતું, જેમાં એક્ટિવાને ભારે નુકસાન પહોંચેલું સ્પષ્ટ જોઈ શકાય છે.
ખાનગી બેંકના મેનેજર હોવાની સોશિયલ મીડિયામાં ચર્ચા આ સમગ્ર મામલે સોશિયલ મીડિયામાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કાર ચલાવી રહેલો શખ્સ AXIS બેંકની નરોડા બ્રાન્ચનો મેનેજર છે અને તે નશાની હાલતમાં હતો. જોકે, કારચાલકની સાચી ઓળખ અને તે ખરેખર દારૂ કે અન્ય કોઈ નશાના પ્રભાવ હેઠળ હતો કે કેમ તે અંગે હજુ સુધી પોલીસ કે સત્તાવાર તંત્ર દ્વારા કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.
પોલીસ કાર્યવાહી પર સૌની નજર શહેરના વ્યસ્ત માર્ગો પર આવા જોખમી ડ્રાઇવિંગના વધતા બનાવોને પગલે નાગરિકોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. વાયરલ વીડિયોના આધારે ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ આ મામલે શું કાર્યવાહી કરે છે અને આરોપી સામે ગુનો નોંધી કાયદેસરનાં પગલાં ભરે છે કે નહીં તેના પર સૌની નજર ટકેલી છે.
