ગાંધીનગર:
દિવાળી પર્વ નિમિત્તે માનસિક બીમારીમાંથી સાજા થયેલા તેમજ મનોદિવ્યાંગ દર્દીઓના આર્થિક અને સામાજિક પુનર્વસનને વેગ આપવા રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ એક સંવેદનશીલ પહેલ કરી છે. ગાંધીનગરના સેક્ટર ૨૧ ખાતે આવેલા મુખ્ય બજારમાં નાયબ મુખ્યમંત્રીશ્રીએ સ્વયં વેપારી બનીને મનોદિવ્યાંગજનો દ્વારા તૈયાર કરાયેલા માટીના દીવડાઓનું વેચાણ કર્યું હતું. આ પહેલ થકી અંદાજે ₹૧.૯૦ લાખના મૂલ્યના ૩૫,૦૦૦થી વધુ દીવડાઓનું વેચાણ કરાવી તેઓનો ઉત્સાહ બમણો કર્યો હતો.
સામાન્ય બસમાં મુસાફરી કરી બજાર પહોંચ્યા
આ પ્રેરણાદાયી કાર્યક્રમમાં પહોંચવા માટે નાયબ મુખ્યમંત્રીશ્રીએ GSRTC દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવેલી નવીન એસ.ટી. બસમાં મુસાફરી કરી હતી. “નશા મુક્ત ગુજરાત – સ્વસ્થ યુવા, સશક્ત પરિવાર”ના સંકલ્પ હેઠળ આ દીવડાઓ તૈયાર કરવામાં આવ્યા હતા. બજારમાં એક સામાન્ય વેપારીની જેમ બેસીને તેમણે ખરીદી કરવા આવેલા નાગરિકો સાથે સંવાદ સાધ્યો હતો અને દીવડા વેચી સમાજ સમક્ષ સામાજિક સમરસતા અને સમાનતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
દર્દીઓને સ્વનિર્ભર બનાવવાની તાલીમ
માનસિક આરોગ્ય હોસ્પિટલ, અમદાવાદ દ્વારા દર્દીઓને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા અને સ્વનિર્ભર બનાવવા વિવિધ વ્યાવસાયિક તાલીમો આપવામાં આવે છે. જેમાં સ્ક્રીન પ્રિન્ટિંગ, વણાટકામ, સિલાઈકામ, ફાઈલ મેકિંગ, રાખડી નિર્માણ, અગરબત્તી તેમજ વુડન આર્ટિકલ્સ જેવી વસ્તુઓ તૈયાર કરાવી દર્દીઓને આત્મનિર્ભર બનાવવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવે છે.
અગ્રણી મહાનુભાવોની ઉપસ્થિતિ
આ કાર્યક્રમમાં રાજ્ય મંત્રી શ્રી પ્રવિણ માળી, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રી રૂપસિંહ ઠાકોર, ધારાસભ્ય શ્રી અલ્પેશ ઠાકોર, ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી અનિલભાઈ પટેલ સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
