અંકલેશ્વર / GIDC બ્રેકિંગ:
ગુજરાતના જાણીતા ઔદ્યોગિક હબ એવા અંકલેશ્વર GIDCમાંથી એક અત્યંત ગંભીર અને ડહમગારી ઘટના સામે આવી છે. અહીં આવેલી ‘શ્યામ એન્ટરપ્રાઇઝ’ નામની કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી ભયાનક છે કે કંપનીની અંદર સંગ્રહ કરવામાં આવેલા કેમિકલ ભરેલા ડ્રમોમાં એક બાદ એક જોરદાર વિસ્ફોટો અને ધડાકા થઈ રહ્યા છે, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ છે.
કિલોમીટર દૂર સુધી દેખાયા ધુમાડા:
આ આગનું વિકરાળ સ્વરૂપ એ વાત પરથી સ્પષ્ટ થાય છે કે ઘટનાસ્થળથી અંદાજે ૫ થી ૭ કિલોમીટર દૂર સુધી આકાશમાં કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા સ્પષ્ટપણે નજરે પડી રહ્યા છે. ડ્રમોમાં થઈ રહેલા ધડાકાને કારણે સ્થાનિકોમાં પણ ભયનો માહોલ છવાયો છે.
ફાયર વિભાગ દ્વારા જહેમત:
ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી. કેમિકલના ડ્રમોમાં સતત વિસ્ફોટ થઈ રહ્યા હોવાને કારણે ફાયર જવાનો માટે આગ પર કાબૂ મેળવવો અત્યંત પડકારજનક બન્યો છે. કંપનીમાં ફાયર સેફ્ટીના નિયમોનું પાલન થયું હતું કે કેમ અને આગનું ચોક્કસ કારણ શું છે તે અંગે હજુ સત્તાવાર વિગતોની પ્રતીક્ષા છે.
