ગાંધીનગર / સ્ટેટ બ્રેકિંગ:
પર્વતારોહણ જેવા કઠિન અને સાહસિક ક્ષેત્રમાં તાલીમ લેતા યુવક-યુવતીઓને ઉત્તમ પૌષ્ટિક આહાર મળી રહે તે હેતુથી ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. માઉન્ટ આબુ અને જૂનાગઢ ખાતેના તાલીમાર્થી પર્વતારોહકો અને પ્રશિક્ષકોના દૈનિક ભોજન ભથ્થામાં સીધો રૂ. ૨૦૦નો વધારો કરવામાં આવ્યો છે, જે આગામી ૧ એપ્રિલ, ૨૦૨૭થી અમલી બનશે.
ભોજન દર પ્રતિદિન રૂ.૩૫૦ કરાયો:
સરકાર દ્વારા પર્વતારોહણ શિબિરોમાં અપાતા દૈનિક ભોજનની મહત્તમ મર્યાદા પ્રતિ વ્યક્તિ રૂ. ૧૫૦થી વધારીને રૂ. ૩૫૦ કરી દેવામાં આવી છે. આ નિર્ણયથી જૂનાગઢના ‘પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર’ અને માઉન્ટ આબુની ‘રાજ્ય પર્વતારોહણ સંસ્થા’ ખાતે તાલીમ લેતા અંદાજે ૫૧૦ જેટલા યુવા સાહસિકોને સીધો લાભ મળશે.
વાર્ષિક રૂ.૧૧.૧૦ લાખનો ખર્ચ:
આ બંને કેન્દ્રોમાં વાર્ષિક ૨૦થી વધુ સરકારી અને બિનસરકારી શિબિરો યોજાય છે. તાલીમાર્થીઓના આરોગ્ય અને શારીરિક ક્ષમતા જળવાઈ રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા વાર્ષિક રૂ. ૧૧.૧૦ લાખનો વધારાનો આર્થિક બોજ ઉઠાવીને પૌષ્ટિક ભોજન સુવિધા પૂરી પાડવામાં આવશે.
