રાજકોટ / ક્રાઈમ એક્સક્લુઝિવ:
રાજકોટના પૉશ કાલાવડ રોડ પર આવેલી સરાઝા હોટલમાં ઝડપાયેલી હાઇ-પ્રોફાઇલ દારૂની મહેફિલ મામલે પોલીસની ભૂમિકા અત્યારે સૌથી મોટો ચર્ચાનો વિષય બની ગઈ છે. દારૂબંધી ધરાવતા ગુજરાતમાં પોલીસ અને પ્રભાવશાળી ઉદ્યોગપતિઓની મિલીભગતની પોલ ખોલતી આ ઘટનામાં એક પછી એક ચોંકાવનારા સવાલો ઉઠી રહ્યા છે.
ગણિતના ગોટાળા અને ગાયબ થયેલા નામો:
ઘટનાસ્થળેથી કુલ ૯૬ થી ૯૭ લોકોનાં બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા હતા અને પાર્ટીમાં ૭૬ જેટલા લોકોની હાજરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે, તો પછી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા માત્ર ૩૮ લોકો સામે જ એફઆઈઆર કેમ નોંધવામાં આવી? આ સવાલ સૌથી મોટો છે. આ ઉપરાંત, ચર્ચા મુજબ મહેફિલમાં હાજર રહેલા વીઆઈપી અગ્રણી અને ધારાસભ્યના ભાઈ મનીષ વરમોરાનું નામ સત્તાવાર યાદી કે એફઆઈઆરમાંથી કેમ ગાયબ થઈ ગયું? તેને લઈને અનેક શંકાઓ સેવાઈ રહી છે.
નબીરાઓને બચાવવા માટે પોલીસના ધમપછાડા:
આરોપીઓને મીડિયાના કેમેરાથી બચાવવા માટે તેમના મોઢા ઢાંકી દેવામાં આવ્યા, પોલીસ સ્ટેશનમાં તેમને વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવી અને પુરાવાઓ નષ્ટ કરવા માટે ખુરશીના કવર ફાડી નાખવા સુધીના ગંભીર આક્ષેપો પોલીસ પર લાગ્યા છે. DCP રાકેશ દેસાઈએ ૩૮ સામે ગુનો નોંધાયાની પુષ્ટિ કરી છે, પરંતુ આ સમગ્ર પ્રકરણમાં પોલીસની પક્ષપાતી અને શંકાસ્પદ કામગીરી સામે હવે જનતા અને વિપક્ષમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.
