વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલા વિવાદિત પ્લોટની ફાળવણીને લઈને રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. પૂર્વ ભારતીય ક્રિકેટર અને સાંસદ યુસુફ પઠાણને આશરે ₹20.53 કરોડની કિંમત ધરાવતો 978 ચોરસ મીટરનો પ્લોટ ફાળવવા માટે રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે.
સરકાર દ્વારા નક્કી કરાયેલી શરતો મુજબ, 978 ચોરસ મીટર પૈકી 500 ચોરસ મીટર જમીન યુસુફ પઠાણને રહેણાંક હેતુ માટે વિનામૂલ્યે ભેટ સ્વરૂપે સોંપવામાં આવશે. જ્યારે બાકીની 478 ચોરસ મીટર જમીન તેના નક્કી કરાયેલા સરકારી મૂલ્ય પર 45 ટકા ડિસ્કાઉન્ટ આપીને ટ્રાન્સફર કરવામાં આવશે.
આ અંગે સરકારે સ્પષ્ટતા કરી છે કે આ નિર્ણય માત્ર એક વિશેષ કિસ્સા તરીકે જ લેવામાં આવ્યો છે અને ભવિષ્ય માટે તે કોઈ દાખલો કે મિસાલ બનશે નહીં. આ ફાળવણીના બદલામાં મહેસૂલ વિભાગ દ્વારા તેટલા જ મૂલ્યની અન્ય જમીન વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)ને વળતર તરીકે આપવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા પર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિ અને જનરલ બોર્ડની ઔપચારિક મંજૂરી મળ્યા બાદ આખરી મહોર લાગશે. નોંધનીય છે કે આ પ્લોટ વિવાદને લઈને યુસુફ પઠાણે ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરેલી અરજી પણ પાછી ખેંચી લીધી છે.
